સાપુતારાના ચીફ ઓફિસરની બદલી અટકાવવા સ્થાનિકોનું આંદોલન

ડાંગ, રાજ્યના વહીવટી વિભાગ દ્વારા એક સાથે ૨૦ જેટલા ચીફ ઑફિસરની બદલી કરવામાં આવી હતી જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો પણ ઓર્ડર થયો હતો જોકે સાપુતારાના વિસ્થાપિત એવા નવાગામના લોકોએ આ બદલી સામે નારાજગી વ્યક્ત કરી સરકારી આદેશ રદ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે.

રાજ્યના એક માત્ર ગુરિમથક તરીકે જાણીતા સાપુતારા ખાતે ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ભાવનગર ખાતે બદલી કરી દેવાતાં નવાગામ અને સાપુતારાના ગ્રામજનોએ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ રાખવાની ચીમકી આપી હતી

પાંચમા દિવસે માંગણી સંદર્ભે કોઈ યોગ્ય સમાધાન ન થતા સાપુતારના નાના મોટા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાપુતારામાં બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી જેમની કામગીરીથી સ્થાનિક લોકોમાં ખુશી હતી. પરંતુ નવા ચીફ ઓફિસરની એકાએક ભાવનગર ખાતે બદલી કરી દેવાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.