અંબાજી,બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે એસટી બસમાં ચેકિંગ કરતા દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા હતા. અંબાજીથી રાજપીપળા જઇ રહેલી બસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. અંબાજીમાં હાલમાં દારુને લઈ લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, જેને લઈ પોલીસ હાલમાં એક્શન મોડમાં દારુના સંદર્ભે જોવા મળી રહી છે. પોલીસે બે શખ્શોને ઝડપીને લઈને તપાસ શરુ કરી છે.
બનાસકાંઠા પોલીસ બોર્ડર પારથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારુને લઇ સતર્ક જોવા મળી રહી છે. આ દરમિયાન હવે પોલીસે પણ આંતરિક વિસ્તારોમાં તપાસ શરુ કરી છે. આ દરમિયાન પોલીસને કેટલાક લોકો દારુને મુસાફરના સ્વાંગમાં જ ગુજરાતમાં હેરફેર કરતા હોવાની બાતમીને લઈ પોલીસે એસટી બસમાં તપાસ કરી હતી. બાતમીનુસાર દાંતામાં પોલીસે તપાસ કરતા ૨ મુસાફરો પાસેથી દારુ મળી આવ્યો હતો.
દાંતા પોલીસે મુસાફરના સ્વાંગમાં દારુની હેરફેર કરી રહેલા બંને શખ્શોને ઝડપી લઈને તપાસ શરુ કરી હતી. અંબાજી થી રાજપીપળા જઇ રહેલી એસટીમાં બેસીને બંને શખ્શો દારુને અમદાવાદ લઇ જઇ રહ્યા હતા. અમદાવાદના રાણીપ ખાતે બંને ઉતરનાર હોવાનું કબૂલ કર્યુ હતુ.