કડીમાં ગોગા મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કર્યાના બે સપ્તાહમાં તસ્કરો ત્રાટક્યા

કડી,કડી તાલુકાના સેદરાણા ગામે હજુ બે સપ્તાહ અગાઉ જ ગોગા મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ ધૂમથી કરવામાં આવ્યો હતો. ધાર્મિક કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ પણ ગામમાં પ્રતિષ્ઠા પ્રસંગે ઉમટી હતી.

સેદરાણા ગામે ગોગા મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ગ્રામજનોએ ઉજવ્યો હતો. જેમાં સ્થાનિક અને બહાર ગામના દાતા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ૨૨ ફેબ્રુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરમાં ગોગા મહારાજ સહિત દેવી દેવતાઓની પ્રતિમાઓને રાખવામાં આવી હતી અને પૂજા અર્ચન શરુ કરાયા હતા.પ્રતિષ્ઠાના બે સપ્તાહ બાદ જ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા છે અને ચાંદીની મૂર્તિઓની ચોરી કરી છે. મોંઢાના ભાગે બુકાની બાંધીને શખ્શ મંદિરમાં ઘૂસીને ચોરી કરી ગયો હોવાનું સીસીટીવી આધારે જાણવામાં આવી રહ્યુ છે.

ગર્ભ ગૃહમાં મુખ્ય મૂર્તિ સાથે રાખવામાં આવેલ ચાંદીની મૂર્તિઓને તસ્કર ઉઠાવી ગયો છે. ૬ કિલો ચાંદીની ત્રણ મૂત ઉપરાંત એક છત્રનીની ચોરી તસ્કરે કરી છે. અંદાજે ત્રણ લાખ સાંઇઠ હજારની મત્તાની તસ્કરે ચોરી આચરી હતી. રવિવારે રાત્રીના દરમિયાન તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. નિત્યક્રમ મુજબ સોમવારે સવારે પૂજા અર્ચના અને આરતી માટે તૈયારીઓ કરવા માટે પુજારી મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશતા જ ચોરીની ઘટના સામે આવી હતી.

મંદિરના દ્વાર ખુલ્લા નજર આવ્યા હતા અને મંદિરમાંથી ચાંદીની મૂર્તિ ઓ ગૂમ જણાતા સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી. જેને લઈ આગેવાનોએ કડી પોલીસને જાણ કરતા સ્થાનિક પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી સહિત આસપાસમાંથી હવે ચોરીની ઘટના અંગે તસ્કર સુધી પહોંચવા માટે કડીઓ મેળવવી શરુ કરી હતી