આદિવાસી જનસેવા, સ્નેહ અને સન્માન સભા: જાંબુઘોડા-પંચમહાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચમહાલ જિલ્લાના નાગરિકોને રૂ.885.42 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી

  • છેલ્લા બે દાયકા પૂર્વેની તુલનામાં આદિવાસીઓની હવે નીતિનિર્ધારણ બાબતોમાં ભાગીદારી વધી છે.
  • આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજો શરૂ થતાં આદિવાસી યુવાનોને ઘર નજીક જ તબીબી શિક્ષણ અને એ પણ માતૃભાષામાં મળશે.
  • આદિવાસી વીર પુરૂષો થકી ભાવિ પેઢીને ઇતિહાસબોધ મળતો રહે તે માટે તેમના નામો શાળાઓ સાથે જોડી અમરત્વ આપવામાં આવ્યું છે.
    ગોધરા,
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સિંચાઇ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આદિવાસીઓનું જીવન બહેતર બનાવવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકા પૂર્વેની તુલનામાં આદિવાસીઓની હવે નીતિનિર્ધારણની બાબતોમાં ભાગીદારી વધી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડા તાલુકાના કકરોલિયા ખાતેથી પંચમહાલ જિલ્લામાં રૂ. 885.42 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
    વડાપ્રધાનએ રૂ. 52 કરોડના ખર્ચે ગોવિદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના નવનિર્મિત વહીવટી સંકુલ, જાંબુઘોડા તાલુકાના વડેફ ગામમાં નવવિકસિત સંત જોરીયા પરમેશ્ર્વર પ્રાથમિક શાળા અને તેના પટાંગણમાં જોરીયા પરમેશ્ર્વરની પ્રતિમા સહિત દાંડિયાપુરા ગામમાં રૂપસિંહ નાયક પ્રાથમિક શાળાનું અને શાળામાં જ બનાવવામાં આવેલી રૂપસિંહ નાયકની પ્રતિમાનું પણ લોકાર્પણ કર્યું હતું.
    પ્રધાનમંત્રીના હસ્તે ગોધરામાં રૂ. 522 કરોડના ખર્ચે વિકાસ પામનાર ૠખઊછજ- મેડિકલ કોલેજ, રૂ. 164 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી સહિત ગોધરામાં રૂ. 23.87 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન કેન્દ્રીય વિદ્યાલય સંકુલ સહિત રૂ.710.63 કરોડના વિકાસ પ્રક્લપોનું ખાતમુહૂર્ત થયું હતું. પ્રધાનમંત્રીએ રૂ.122.18 કરોડના ખર્ચે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના માળખાકીય સુવિધાઓના કામોનું ભૂમિપૂજન કર્યું હતું.
    વડાપ્રધાનએ જણાવ્યું કે, આદિવાસીઓ આદિ કાળથી ગુજરાતમાં વસે છે. પણ, પહેલાં તેમના વિકાસની અવગણના કરવામાં આવી હતી. આદિવાસીબંધુઓ માટે મૂળભૂત અને પાયાની સુવિધાઓનો અભાવ હતો. આદિવાસી યુવાનોને શિક્ષણ લેવું હોય તો બહાર જવું પડતું હતું. પીવાના પાણી માટે બોર જેવા સ્ત્રોતોનો આધાર રાખવો પડતો હતો. ગામમાં એક બોર નાખવામાં આવે તો તેનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવતું હતું. કોઇ સામાન્ય માંદગીના સંજોગોમાં શહેરોના દવાખાનાનો આશરો લેવો પડતો હતો. લાંબી લાઇનોમાં રાહ જોવાની અને રાતવાસો બહાર કરવો પડતો હતો. આદિવાસી વિસ્તારોમાં આવી કારમી સ્થિતિ હતી.
    મોદીએ જણાવ્યું કે, અંબાજીથી ઉંમરગામ સુધીના વિકાસ ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી પાયાની સુવિધાઓ આપવાનું શરૂ કર્યું અને તેનાથી આવેલા પરિવર્તનો આજે જોઇ શકાય છે. ડોક્ટર, ઇજનેર બનવા માંગતા છાત્રો માટે ઘર આંગણે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. 10 હજાર નવી શાળાઓ શરૂ કરી છે. એટલું જ નહીં, તાલુકાકક્ષાએ 11 સાયન્સ કોલેજ, 11 કોમર્સ, 23 આર્ટ્સ કોલેજ, અનેક છાત્રોલયો શરૂ કરવા સાથે ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી શરૂ કરી આદિવાસી મહાપુરૂષોના નામ તેમના સાથે જોડવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજો પણ શરૂ થતાં આદિવાસી યુવાનોને ઘર નજીક જ તબીબી શિક્ષણ અને એ પણ માતૃભાષામાં મળશે.
    સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાપુરૂષોના યોગદાનની યશોગાથા વર્ણવતા વડાપ્રધાનએ જણાવ્યું કે, નાયકા આંદોલનોમાં 1857ની ક્રાંતિમાં નવી ઊર્જા અને ચેતના પ્રગટાવી હતી. ક્રાંતિ નાયક તાત્યા ટોપે સાથે આ વિસ્તારના નરબંકા સંત જોરિયા પરમેશ્ર્વર અને રૂપસિંહ નાયક જોડાઇ અદ્દભૂત સાહસ, માતૃભૂમિ માટે પ્રેમ દર્શાવી અંગ્રેજ સલ્તનતના પાયા હચમાવી દીધા હતા. આવા વીરો પુરૂષો થકી ભાવિ પેઢીને ઇતિહાસબોધ મળતો રહે તે માટે તેમના નામો શાળાઓ સાથે જોડી અમરત્વ આપવામાં આવ્યું છે.
    મોદીએ કહ્યું કે, દશકાઓ સુધી સત્તામાં બેઠેલાઓએ આદિવાસી અને બિનઆદિવાસી વચ્ચે વિકાસની ખાઇ ઉભી કરી હતી અને આદિવાસીઓને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હતા. અમારી સરકારે સૌના પ્રયાસની ભાવનાથી આદિવાસીઓને વિકાસ પ્રક્રીયામાં જોડી ઉંમરગામથી અંબાજી સુધી વિવિધ આદિજાતિ યોજનાઓના અસરકારક અમલ સાથે પરિવર્તનને ધરતી ઉપર ઉતાર્યું છે. હવે આદિવાસીઓને ક્યારે, કેટલું અને ક્યાં જોઇએ છે, એ પૂછવામાં આવે છે. આ સમાજને નીતિ નિર્ધારણમાં ભાગીદાર બનાવવામાં આવ્યો છે.
    તેમણે કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી જિલ્લાઓમાં સર્વાંગી વિકાસનું કામ કર્યું છે. આ યોજના પાછળ રૂ. એક લાખ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં વધુ રૂ. એક લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેના પરિણામે આદિવાસી વિસ્તારોમાં ઘરેઘરે પાણી, સુક્ષ્મ સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, કૌશલ્યવર્ધન, રસ્તા અને મહિલા સશક્તિકરણ, રોજગારી જેવી સુવિધાઓનો વ્યાપ વધશે. આદિવાસીબાંધવો માટે પઢાઇ, કમાઇ, સિંચાઇ અને દવાઇની સુવિધાઓ આપવા માટે કોઇ કચાશ રાખવામાં નહીં આવે.
    આદિજાતિ વિસ્તારોમાં ડબલ એન્જીનની સરકારે 1400થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કર્યા છે. તેનાથી આદિવાસીબંધુઓ માટે આરોગ્યની સુવિધાઓ સુલભ બની છે. આ સાથે સિકલસેલ એનિમિયા જેવી અનુવાંશિક બિમારી દૂર કરવા માટે સંશોધનો શરૂ છે. તેના પરિણામો આગામી દિવસોમાં મળે એવી શક્યતા છે. આ બિમારીને દૂર કરવા માટે અમારી સરકારે બીડું ઝડપ્યું છે.

ઔદ્યોગિકકરણ વધવાની સાથે આદિવાસી યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા થયા છે, એમ કહેતા નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, પહેલા ગોધરા, દાહોદ જેવા વિસ્તારોના યુવાનો માત્ર ડામર રોડ કે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા હતા. સખત પરિશ્રમ કરીને પૈસા કમાતા હતા. હવે, આ વિસ્તારોમાં નવા ઉદ્યોગો આવતા તેમના માટે રોજગારી ઉભી થઇ છે. હાલોલ કે કાલોલની કોઇ કંપનીમાં જૂઓ તો ખબર પડશે કે ત્યાં કામ કરતા કામદારોમાં અડધા તો આદિવાસી યુવાનો હશે.
આઝાદીના વર્ષો સુધી કેન્દ્ર સરકારમાં આદિજાતિઓના હિતની ચિંતા કરવા માટે અલાયદું મંત્રાલય નહોતુ. તે બાબતને ધ્યાને રાખીને અટલ બિહારી વાજપેયીએ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવી જનજનતિઓના વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. તેનાથી આ સમાજના વિકાસને વેગ મળ્યો છે, તેમ તેમણે કહ્યું હતું.
મોદીએ જણાવ્યું કે, જૂનાપૂરાણા અનેક કાયદાઓ દૂર કરી આદિવાસીઓ માટે સહુલિયત કરી આપવામાં આવી છે. વાંસ ના કાપી શકાય એવો કાયદો અમલમાં હતો. જેના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. આ કાયદો દૂર કરી વાંસને ઘાસ ગણવાનું શરૂ કરતા હવે આદિવાસીઓ માટે વાંસની બનાવટ રોજગારીનું માધ્યમ બન્યું છે. વનધન યોજના શરૂ કરી આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત 80થી વધુ વનઉપજોની પોષણક્ષમ ભાવોથી ખરીદી કરવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાના જન્મદિન 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિન તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે સહર્ષ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ગરીબ, દલિત, પછાત અને આદિવાસી સમુદાયો પ્રત્યે ડબલ એન્જિન સરકારના સતત પ્રયાસોની ભૂમિકા આપતા કહ્યું કે, મફત રાશન યોજના, મફત કોવિડ રસી, ગરીબો માટે રૂ. 5 લાખ સુધીની સારવાર, સગર્ભા સ્ત્રીઓને પોષક આહાર મળી રહે તે માટે મદદ કરવી અને નાના ખેડૂતો માટે ખાતર માટે લોન મેળવવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઉદાહરણો આપ્યા હતા. બિયારણ, વીજળી બિલમાં સીધી આર્થિક મદદ હોય કે પાકાં મકાનો, શૌચાલય, ગેસ કનેક્શન અને પાણીના જોડાણો જેવી સુવિધાઓ હોય, આનો સૌથી વધુ લાભ આદિવાસીઓ, દલિતો અને પછાત પરિવારોને મળ્યો છે.
ભારતની સંસ્કૃતિ અને આસ્થાને બચાવવા માટે બલિદાન આપનારા આદિવાસી નાયકોના ઈતિહાસની ઝાંખી આપતા મોદીએ ચાંપાનેર, શામળાજી, પાવાગઢ, સોમનાથ અને હલ્દીઘાટીના ઉદાહરણો આપતા કહ્યું કે, હવે પાવાગઢ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ધજા ભવ્યતામાં ફરકાવવામાં આવ્યો છે. તેવી જ રીતે અંબાજી મંદિર,ઉનાઇ માતા, દેવમોગરા માતાજીના મંદિરના વિકાસ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવે છે.
મોદીએ રોજગારી વધારવા માટે પ્રવાસનક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા હોવાનું જણાવતા ઉમેર્યું કે, પંચમહાલ જિલ્લો પર્યટનની દૃષ્ટિએ ખૂબ પ્રખ્યાત છે, ચાંપાનેર-પાવાગઢ જે પ્રાચીન સ્થાપત્ય માટે જાણીતા છે. જાંબુઘોડામાં વન્યજીવન, હાથણી માતાનો ધોધ, ધનપુરીમાં ઇકો-ટૂરિઝમ સાઇટ્સ, કડા ડેમ, ધનેશ્ર્વરી માતાનું મંદિર, ઝંડ હનુમાનજી મંદિર પ્રવાસીઓને આકર્ષે છે. આવનારા દિવસોમાં આ સ્થળોને પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવામાં આવશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. આદિવાસીઓ માટે ગૌરવના સ્થળો અને આસ્થાના સ્થળોનો વિકાસ પ્રવાસનને ઘણું પ્રોત્સાહન અપાશે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ :
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનનો ઇતિહાસ દેશ સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે.
મુખ્ય મંત્રીએ 1868માં જાંબુઘોડાના જોરિયા પરમેશ્ર્વર અને રૂપસિંહ નાયક સહિત પાંચ આદિવાસી નરબંકાઓએ આઝાદીના જંગમાં અંગ્રજો સામે લડી શહાદત વ્હોરી હતી એમ જણાવતાં ઉમેર્યું હતું કે, 144 વર્ષ બાદ વર્ષ 2012 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ નાયક વીરોનાં ઇતિહાસને દેશ સમક્ષ ઉજાગર કરી જે કહેવું તે કરવુંના મંત્રને સાકાર કર્યો છે.
મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, વડેક અને દાંડિયાપુરાની પ્રાથમિક શાળાઓને વીર શહીદોના નામ સાથે જોડી એટલુ જ નહિ માનગઢના ક્રાંતિવીરોની રાષ્ટ્ર વંદના કરી આદિવાસી અસ્મિતાને પુન: સ્થાપન કરવાનો યજ્ઞ વડાપ્રધાન શરૂ કર્યો હતો.
મુખ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં પાયાની અને માળખાગત સુવિધાઓ માટે રૂ.એક લાખ કરોડના ખર્ચે વનબંધુ વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને કારણે આદિવાસીઓના જીવનમાં સામાજિક,આર્થિક અને શૈક્ષણિક પરિવર્તન આવતા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.
આદિવાસી યુવક યુવતીઓને ઘર આંગણે ઉચ્ચ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગોધરા અને રાજપીપળામાં આદિવાસી યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવી છે. તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, એકલવ્ય મોડેલ સ્કૂલ, આધુનિક તાલીમ કેન્દ્રો સહિત છાત્રાલયો શરૂ કરવામાં આવી છે. જેને પરિણામે આદિવાસી યુવાનો ડોક્ટર અને ઈજનેર બની રહ્યા છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે,આઝાદીના અમૃતકાળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપની ભવ્ય વિરાસતો ઉપર ગર્વ કરવાનો સંકલ્પ કર્યો છે, જેને ગુજરાત પૂર્ણ કરશે.
મુખ્યમંત્રીએ મોરબીમાં બે દિવસ અગાઉ બનેલી દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવનારા પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.આ ઘટના અંગે વડાપ્રધાન હંમેશા સંવેદના સાથે રાહત બચાવ કાર્યમાં માર્ગદર્શન પૂરૂં પાડ્યું છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, સાંસદ રતનસિંહ રાઠોડ, ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી, જયદ્રથસિંહ પરમાર, સુમનબેન ચૌહાણ, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પદાધિકારીઓ, કલેક્ટર સુજલ મયાત્રા, ઉચ્ચ અધિકારીઓ વિશાળ સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.