વોટને બદલે નોટ મામલે સુપ્રિમ કોર્ટના નિર્ણયને વડાપ્રધાન મોદીએ આવકાર્યો

નવીદિલ્હી, વોટને બદલે નોટ મામલે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. સુપ્રિમ કોર્ટે પી.વી નરસિમ્હા રાવ કેસમાં ૧૯૯૮ના ચુકાદાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચના બદલામાં વિધાનસભામાં મત મેળવે તો તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. ત્યારે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને પીએમ મોદીએ વધાવી લીધો હતો.

પીએમ મોદીએ પણ નોટ ફોર વોટ મુદ્દે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ નિર્ણયનું સ્વાગત કરતા લખ્યું કે, ’સ્વાગત! માનનીય સર્વોચ્ચ અદાલતનો એક સારો નિર્ણય, જે દોષરહિત રાજકારણ અને વ્યવસ્થામાં લોકોનો વિશ્ર્વાસ મજબૂત કરશે.

મહત્વનું છે કે સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કેસમાં તેના અગાઉના નિર્ણયને પલટાવી દીધો છે. મત આપવા માટે પૈસા લેવા બદલ સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે લાંચના કેસ સંસદીય વિશેષાધિકાર દ્વારા સુરક્ષિત નથી અને ૧૯૯૮ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ ૧૦૫ અને ૧૯૪ની વિરુદ્ધ છે. કલમ ૧૦૫ અને ૧૯૪ સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે લાંચના કેસમાં આ કલમો હેઠળ છૂટ નથી કારણ કે તે જાહેર જીવનમાં ઇમાનદારીનો નાશ કરે છે.