નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે તમારા વાણી સ્વાતંત્ર્ય અને ધર્મની સ્વતંત્રતાના અધિકારનો દુરુપયોગ કર્યો છે. હવે શું તમે તમારી પીઆઈએલ માટે કલમ ૩૨નો યોગ્ય રીતે ઉપયોગ કરો છો? શું તમે નથી જાણતા કે તમે જે કહ્યું તેના પરિણામો શું આવશે? તમે સામાન્ય માણસ નથી, તમે મંત્રી છો અને તમારે પરિણામ જાણવું જોઈએ.
સ્ટાલિન તરફથી હાજર રહેલા એડવોકેટ સિંઘવીએ કહ્યું કે તેઓ નોંધાયેલા કેસની યોગ્યતા પર ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આનાથી એફઆઇઆરને ક્લબ કરવાની માંગને અસર થવી જોઈએ નહીં. સિંઘવીએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોને ટાંકીને કહ્યું કે ફોજદારી કેસોમાં અધિકારક્ષેત્ર નક્કી કરવું જોઈએ. એડવોકેટ સિંઘવીએ કહ્યું કે બેંગ્લોર, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં કેસ નોંધાયેલા છે.
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને ‘સનાતન ધર્મ’ની તુલના કોરોનાવાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી અને કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ઉધયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ ટિપ્પણીના મામલામાં નોંધાયેલી અનેક એફઆઈઆરને એક સાથે જોડવાની વિનંતી કરતી અરજી પરની સુનાવણી ૧૫ માર્ચ સુધી મુલતવી રાખી છે.