વલસાડ: રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી વિવિધ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા છે. માત્ર બે મહિનામાં જ પાંચથી વધુ ચેઈન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. જેને પગલે આખરે પોલીસ દ્વારા પાસવાન ગેંગના લીડરને દબોચી લીધો છે.
ભર શિયાળે પોલીસને હમફાવતી આ તસ્કર ગેંગને પકડવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150 થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. પોલીસે આખરે એક ગેંગના લીડરને ઝડપી તેને પાંજરે પૂરતા જિલ્લામાં બનેલા 16 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, સમગ્ર જિલ્લાની પોલીસને ફંમફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી. આ ગેંગનો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે લાગી ગયો હતો. તેને ઝડપી પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા સહિત કુલ 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. બિલ્લાની પૂછપરછ કરતા 16 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ પાસવાન ગેંગના લીડર બિલ્લાની પૂછપરછ કરતાં આ ગેંગનો ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો છે, તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. બિલ્લો અને તેના અન્ય બે સાગરીતો પર વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ એક બે નહીં, પરંતુ 25 થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ચોકાવનારી હકીકત બહાર આવી કે, આરોપી અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં ઝડપાયા બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. જો કે ફરાર થયા બાદ સુધરવાને બદલે આ બિલ્લાએ તેના અન્ય સાગરીતો સાથે મળી અને પાસવાન ગેંગ બનાવી અને તેઓએ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવવાની શરૂઆત કરી હતી.
પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, થોડા સમય અગાઉ વાપીના ભડકમોરામાં જાહેરમાં જ્વેલરની દુકાનમાં ફાયરિંગ કરી અને લાખો રૂપિયાની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાને પણ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ સાથે જ જિલ્લામાં બનેલા ચેઈન સ્નેચિંગના ગુનાઓ પણ પોલીસે ઉકેલ્યા છે. આમ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 16 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
પાસવાન ગેંગના કારનામાઓ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ગેંગ મોટે ભાગે મહિનાના આખરી દિવસોમાં જ ગુનાઓને અંજામ આપતી હતી. જે મોટેભાગે રસ્તે ચાલતી મહિલાઓ અને દુકાનદાર મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હતા. આ ગેંગ ચોરી કરવા માટે મોંઘાદાટ સ્પોર્ટ્સ બાઈકો અને વાહનોની ચોરી કરતા હતા. આ ચોરીના વાહનો દ્વારા જ તેઓ ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસના હાથે અત્યારે જયનંદ ઉર્ફે બિલ્લો ઝડપાયો છે. તેની સાથે આ ગેંગ દ્વારા ચોરી કર્યા બાદ સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ ખરીદતો ઉમરગામનો એક જ્વેલર્સ જસીમુદ્દીન શેખ પણ પોલીસના હાથે લાગતા પોલીસે તેની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હજુ પણ આ ગેંગના બે સાગરીતો પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન હજુ પોલીસ પકડથી દૂર છે. આથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પણ પકડવાનો પ્રયાસો હાથ ધર્યા છે.