કુંડારિયાનું પત્તુ કપાયું હવે કોઇ નેતા કાર્યર્ક્તાને ગાળો-ધમકી નહિ આપે,સોમાણી

રાજકોટ, રાજકોટ લોક્સભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું છે. આ બેઠક પર ચાલુ સાંસદ મોહન કુંડારિયાનું નામ કપાયું છે. મોહન કુંડારિયાની ટિકિટ કપાતા તેના વિરોધી જૂથ મનાતા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ખુશી વ્યક્ત કરી હતી અને મોહન કુંડારિયા પર કટાક્ષ કર્યો હતો.મોહન કુંડારિયાનું નામ લીધા વિના જીતુ સોમાણીએ કહ્યું હતું કે, હવે કોઇ નેતા કાર્યર્ક્તાને ગાળો નહિ આપે અને ધમકી નહિ આપે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કુંડારિયાનું નામ લીધા વિના કહ્યું હતું કે અત્યારના કેટલાક નેતાઓ પક્ષનું નામ ખરાબ કરતા હતા.સરકારનું નામ બદનામ કરતા હતા.કાર્યર્ક્તાઓને ગાળો દેતા હતા અને ધમકી પણ આપતા હતા, જો કે હવે પરષોતમ રૂપાલા ઉમેદવાર જાહેર થતા કાર્યર્ક્તાઓનું માન સન્માન જળવાશે.આ સીટ પર ભાજપનો ૫ લાખથી વધારે મતોથી વિજય થશે તે વાત નિશ્ચિત છે.

સોમાણી આટલેથી ન અટક્યા. તેઓએ તો નામ લીધી વગર નેતાજીની હિટલર સાથે તૂલના કરી નાખી. સોમાણીએ દાવો કર્યો કે કેટલાક નેતાઓ સત્તાના નશામાં હિટલર જેવું વર્તન કરતા હતા, કાર્યકરો સાથે પક્ષનું નામ બદનામ કરતા હતા.

એવું નથી કે આ પ્રથમ વખત હોય વિધાનસભાની ચૂંટણી સમયથી મોહન કુંડારિયા અને જીતુ સોમાણી બંન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.વાંકાનેકના રાજવી કેશરીદેવસિંહની જ્યારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઇ ત્યારે પણ બંન્ને વચ્ચે વિવાદ થયો હતો અને શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.આ વિવાદની સીધી અસર મોરબી જિલ્લા ભાજપ પર પડી રહી છે.

મોહન કુંડારિયાના જુથના મનાતા કેશરીદેવસિંહને જ્યારે રાજ્યસભાના સાંસદ બનાવ્યા, ત્યારે તેઓના અભિવાદન સમારોહમાં જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આ અંગે જ્યારે જીતુ સોમાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યુ હતું કે- હું ધારાસભ્ય થયો ત્યારે મારા અભિવાદન સમારોહમાં કેશરીદેવસિંહ હાજર રહ્યા ન હતા, જેથી હું પણ તેના કાર્યક્રમમાં હાજર રહ્યો નથી.