વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની રસી વેક્સીનને લઈને ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. તો, રશિયાએ પણ વિશ્વની પ્રથમ કોરોના રસી સ્પુટનિક વી બનાવવાનો દાવો કર્યો છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના રસી વિશે કડક ચેતવણી આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે અમારા માપદંડ મુજબ, ક્લિનિકલ ટ્રાયલ્સના એડવાન્સ સ્ટેજમાં પહોંચેલી કોઈ પણ રસી કોરોના વાયરસ સામે ૫૦% અસરકારક નથી. એટલું જ નહીં, આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એમ પણ કહ્યું કે અમને અપેક્ષા નથી હોતી કે આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ સુધીમાં વિશ્વના તમામ લોકોને રસી મળશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે જિનીવામાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઘણી કોરોના વાયરસ એડવાન્સ ક્લિનિકલ સ્ટેજમાં છે. જો કે, કોઈપણ રસી સંપૂર્ણપણે અસરકારક હોવાનું કહી શકાય નહીં. તેમણે કહ્યું કે અમે આવતા વર્ષના મધ્ય સુધી વ્યાપક રસીકરણની અપેક્ષા રાખી રહ્યા નથી.
માર્ગારેટે વધુમાં કહ્યું કે, ફેઝ ૩ના ટ્રાયલમાં વધુ સમય લાગ્યો છે કારણ કે અમે તે જોવા માંગીએ છીએ કે તે રસી કોરોના સામે કેટલી સુરક્ષા પૂરી પાડે છે અને તેની કોઈ આડઅસર નથી ને. અગાઉ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઈમરજન્સી બાબતોના વડા ડો. માઈકલ રેયાને કહ્યું હતું કે, આપણે હર્ડ ઈમ્યુનિટી મેળવવાની આશામાં ન રહેવું જોઈએ. તેમણે કહ્યું કે વૈશ્વિક વસ્તીના રુપમાં આપણે હજુ એ સ્થિતિની આસપાસ પણ ક્યાંય પહોંચી શક્યા નથી જે વાયરસના પ્રસાર રોકવા માટે ખૂબ જ જરુરી છે.
હર્ડ ઈમ્યુનિટી કોઈ સમાધાન નથી અને ન તો તે એવું કોઈ સમાધાન છે. જેની તરફ આપણે જોવું જોઈએ. આજે મોટાભાગના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, માત્ર ૧૦થી ૨૦ ટકા વસ્તીમાં જ એન્ટીબોડીઝ છે. જે લોકોને હર્ડ ઈમ્યુનિટી પેદા કરવામાં મદદરુપ થઈ શકે છે.
જોકે, એટલી ઓછી એન્ટીબોડીઝના દરથી હર્ડ ઈમ્યુનિટી ન મળી શકે. ડબલ્યુએચઓના પ્રમુખે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી સલામત અને અસરકારક સાબિત થાય તે પહેલાં કોઈપણ કોવિડ -૧૯ રસીનો ઉપયોગ કરવાની ભલામણ કરશે નહીં. જો કે, વ્યાપક પ્રયોગો પૂરા થાય તે પહેલાં ચીન અને રશિયાએ તેમની રસીઓનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસુસે કહ્યું કે દાયકાઓથી રસીનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે શીતળા અને પોલિયો નાબૂદીમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હું લોકોને ખાતરી આપવા માંગું છું કે ડબ્લ્યુએચઓ કોઈ અસરકારક અને સલામત ન હોય તેવા રસીનું સમર્થન નહીં કરે. જ્યોર્જિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર રસી અને ઇમ્યુનોલોજીના ડિરેક્ટર, ટેડ રોસે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે, કોરોના માટેની પહેલી રસી એટલી અસરકારક ન હોઈ શકે. ટેડ રોસ કોરોના વાયરસની રસી પર પણ કામ કરી રહ્યા છે જે ૨૦૨૧ માં ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાંથી પસાર થશે.
કેટલાક અન્ય સંશોધકોએ એવો દાવો પણ કર્યો છે કે આપણે સમાન વ્યૂહરચના પર વધારે પડતાં દારોમદાર રાખીને બેસી રહેવું જોઈએ નહીં. વિશ્વભરની લેબ્સમાં ૮૮ રસી પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે. જેમાંથી ૬૭ વેક્સીન નિર્માતા વર્ષ ૨૦૨૧ ના અંતમાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. રશિયાએ તેની પહેલી કોરોના રસી સ્પુટનિક વીને લોન્ચ કરી દીધી છે.
જો કે, નિષ્ણાતો તેના વિશે શંકાસ્પદ છે કારણ કે મોટી વસ્તી પર પરીક્ષણ કર્યા વિના જ આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. જો કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દાવો કર્યો છે કે કોરોના વાયરસથી પીડાતા દર્દીઓ પર આ રસીની સારી અસર થઈ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમની એક દીકરીને પણ આ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાવનાર ચીને એક મહિના પહેલા તેના લોકોને વેક્સીન આપી હતી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે ખુલાસો કર્યો હતો કે તે ૨૨ જુલાઈથી તેના લોકોને રસી ડોઝ આપી રહ્યાં છે. જોકે, કમિશને એ જણાવ્યું ન હતું કે, ચીનમાં ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચેલી ચારમાંથી કઈ રસી લોકોને આપવામાં આવી છે. એટલું જ નહીં, આયોગે એવો દાવો પણ કર્યો હતો કે આ રસીથી લોકો પર કોઈ વિપરીત અસર પહોંચી નથી.