ભાજપનો ભરતી મેળો : ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની

મોદીજીની ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪માં ૨૮૨ સીટો જીતી હતી. ૨૦૧૯માં તો ત્રેવડી સદી.? ૩૦૩ બેઠકો. ૨૦૨૪માં હવે ૪૦૦ પારનો ગોલ સેટ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો ધ્યેય મંત્ર છે : (વિકાસ એ જ જીવન). મોદીજીની ભારતીય જનતા પાર્ટીએ ધીરુભાઈ અંબાણીના જ્યેષ્ઠ પુત્રને જેવી રીતે અપનાવ્યો છે તે રીતે ધીરુભાઈએ આપેલા તે સૂત્રને પણ અપનાવ્યું છે; પણ એક ફેરફાર સાથે : (કોઈપણ ભોગે વિકાસ એ જ જીવન).

શાહબુદ્દીન રાઠોડનો એક જોક છે : ’મારે આટલું ભણેલી, આવો દેખાવ ધરાવતી, આવા ખાનદાનવાળી કન્યા સાથે જ પરણવું છે.’-ના આગ્રહો રાખીને બેઠેલો યુવક આધેડ અવસ્થાએ પહોંચી ગયો ત્યાં સુધી એનું ઠેકાણું ન પડયું છે. છેવટે કન્યા માટે એણે નક્કી કરેલા માપદંડો સાથે બાંધછોડ કરી; અને એ હદે કરી કે ’ગમે તેટલું ભણેલી, ગમે તે જ્ઞાાતિની ને કોઈપણ ઉંમરની કન્યા ચાલશે. ૩૬ વર્ષની એક કન્યા ન મળે તો ૧૮-૧૮ વર્ષની બે પણ ચાલશે.’ મોદીજીની ભારતીય જનતા પાર્ટી વિના કારણે અત્યારે એ આધેડ અવસ્થાના પુરુષ જેવું વર્તન કરવા માંડી છે. ૪૦૦નો આંકડો પાર કરવા માટે ભલભલા ૪૨૦માં પણ ભાજપને શ્રી ૪૨૦ દેખાવા લાગ્યા છે.

’કોઈપણ ભોગે ૪૦૦ બેઠકો’-ના લક્ષ્યાંકે કેવા-કેવા ખલનાયકો માટે ભાજપે દરવાજા ખોલી આપ્યા છે તેનું આદર્શ ઉદાહરણ જો કોઈ હોય તો તે છે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ચવ્હાણ. અશોક ચવ્હાણની ઓળખ મેળવવા માટે આપણે લેશબેકમાં એટલે કે ૧૫ વર્ષ પાછળ જવું પડશે.

ભારતીય લશ્કરના યુદ્ધ મહારથીઓના વસવાટ માટે મુંબઈના ખૂબ જ પોશ વિસ્તાર કોલાબા ખાતે ૩૧ માળની સોસાયટી બનાવવામાં આવી – આદર્શ હાઉસિંગ સોસાયટી. તે વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને સાથી પક્ષોની સત્તા હતી; અને મુખ્યમંત્રી હતા અશોક ચવ્હાણ. કોલાબા જેવા ક્રીમ વિસ્તારમાં આવી સોસાયટી નિર્માણ પામી હોય અને એમાંથી મુખ્યમંત્રી તરીકે પોતે મલાઇ ખાધા વિના રહી જાય તો રાજકારણીઓની જમાતમાં પોતે કોઈને મોં દેખાડવા લાયક નહીં રહે એવું કદાચ અશોક ચવ્હાણને લાગ્યું હશે. આથી તેમણે પોતાના સગા-વહાલા અને મળતિયાઓને આ સોસાયટીમાં રહેઠાણોની ખેરાત કરવાનું ચાલુ કર્યું.

’ભારતીય લશ્કરના સૈનિકો તો તંબુ, રાવટી, છાવણી વગેરેમાં રહેવા ટેવાયેલા છે એમને આવા ફ્લેટમાં રહેવાનું નહીં ફાવે’- એવું વિચારીને ચવ્હાણે આર્મી ઓફિસરો માટેના આ મકાનો પોતાના માણસોને આપી દીધા હોય એવું બની શકે. ખેર, ચવ્હાણનું પાપ આદર્શ સોસાયટીના ૩૧મા માળના ધાબે જઈને પોકાર્યું. એમની પર ભ્રષ્ટાચારના અક્ષેપો થયા. અશોક ચવ્હાણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડયું. વિવાદિત આદર્શ સોસાયટીને જમીનદોસ્ત કરી નાખવામાં આવી. દેશ માટે જાન કુરબાન કરવાની ભાવના ધરાવતા લશ્કરી અધિકારીઓએ પોતાના માટે બનાવેલી સોસાયટી પણ કુરબાન કરી દેવાનો પ્રસંગ આવ્યો.

દેશની સુરક્ષા માટે માથે કફન બાંધીને મરવાની તૈયારી સાથે જીવતા લશ્કરના અધિકારીઓ માટેની વસાહત એક કૌભાંડી રાજકારણીને કારણે જમીનદોસ્ત થઈ જાય એ જોઈને મારું-તમારું લોહી કેવું ઉકળી ગયું હશે? અરે, હું કે તમે તો સાદા રાષ્ટ્રવાદીઓ છીએ. પણ આ ઘટના પછી સટફાઇડ રાષ્ટ્રવાદીઓની બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાષ્ટ્રવાદી નેતાઓનું લોહી તો લાવારસ જ બની ગયું હશે ને! આદર્શ સોસાયટી કૌભાંડ બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની બે ચૂંટણીઓ યોજાઈ ગઇ ને લોક્સભાની પણ એટલી જ ચૂંટણી યોજાઈ ગઈ.

જેમના રક્તમાં, જેમના રક્તકણોમાં ખળખળ ખળખળ રાષ્ટ્રવાદ વહે છે તેવા ભારતીય જનતા પાર્ટીના ગ્લોબલ લીડર નરેન્દ્ર મોદીએ એ ચૂંટણીઓ વેળાની રેલીઓમાં કૌભાંડનરેશ અશોક ચવ્હાણ પર આકરા પ્રહારો કર્યા. ’મોદીજીની સરકાર આવશે ત્યારે દેશના જાંબાઝ સૈનિકોના ઘર ઓહિયા કરી જનાર આ મહાભ્રષ્ટ કોંગ્રેસી અશોક ચવ્હાણને તે કડક સજા કરશે.’- એવી આશાઓ સાથે આપણે મોદીજીને ૨૦૧૪માં વડાપ્રધાન બનાવ્યા. ૨૦૧૯માં બીજીવાર મોદીજીને ચૂંટી કાઢયા. એ વાતને પણ પાંચ વર્ષ પૂરા થવા આવ્યા. કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં એમ બંને ઠેકાણે ભાજપ ની સરકાર હોવા છતાં અશોક ચવ્હાણ સામે ઇડી કે સીબીઆઈના ઘોડા ન છોડવામાં આવ્યા. તેમ છતાંય આપણે એટલે કે સાદા રાષ્ટ્રવાદીઓએ વિશુધ રાષ્ટ્રવાદીઓની પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન પરની શ્રદ્ધાને ડગવા દીધી નહીં. આપણે વિચાર્યું કે ૨૦૨૪ના મે મહિના પછી ત્રીજી વાર મોદીજીને ૪૦૦ સીટો સાથે વડાપ્રધાન બનાવીશું. પછી નક્કી મોદીજી અશોક ચવ્હાણનો વારો કાઢશે.