અબુ ધાબીના હિંદુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ : એક દિવસમાં ૪૦,૦૦૦ ભક્તો દર્શને આવ્યા.

દુબઇ, અબુધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ મંદિર ૧ માર્ચથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે આ મંદિરમાં એક દિવસમાં લગભગ ૪૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવે છે. તસવીરોમાં પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે. આ મંદિરનું ઉદ્ઘાટન ૧૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. અબુ ધાબીમાં આ પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે.

અબુ ધાબીનું હિન્દુ મંદિર ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે ૨૭ એકર વિસ્તારમાં અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે.

અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ૨૦ હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને ૭૦૦ કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.બીએપીએસના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું હતું કે, અહીં સ્થાપત્ય પદ્ધતિઓને વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડવામાં આવી છે.