ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. સલામત ગુજરાતના ગાણા ગવાઈ રહ્યા છે ત્યારે માત્ર રહેણાંક-વ્યવસાયિક વિસ્તારો જ ચોરોના ટાર્ગેટ પર છે એવુ નથી. હવે તો મંદિરો પણ તેમના નિશાના પર રહ્યા છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિરને પણ સલામતી બક્ષી શકી નથી. ખુદ સરકારે એ વાતનો ખુલાસો કર્યો છેકે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં મંદિરોમાં લૂંટ ધાડ-ચોરીની ઘટના બની છે. કુલ મળીને રૂા. ૩. ૧૬ કરોડની રોકડ ની ચોરી થઇ છે.
રાજ્યમાં કાયદા વ્યવસ્થાને લઇને હવે સવાલ ઉઠ્યાં છે કેમકે, સલામત ગુજરાતની બડાઈ હાંકવામાં આવી રહી છે ત્યારે મંદિરોમાં ચોરી,લૂંટ અને ધાડની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ખુદ ગૃહવિભાગે વિધાનસભામાં કબૂલ્યુ છે કે, વર્ષ ૨૦૨૦થી માંડીને વર્ષ ૨૦૨૩ સુધીમાં મંદિરોમાં લૂંટ,ધાડ અને ચોરીના કુલ ૪૧૧ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજ્યમાં મંદિરોમાં વર્ષ ૨૦૨૦માં ૧૨૫, વર્ષ ૨૦૨૧માં ૧૨૭ અને વર્ષ ૨૦૨૨માં ૧૫૫ ચોરીની ઘટનાઓ બની હતી. આ સમયગાળા દરમિયાન, મદિરોમાં લૂંટની એક જયારે ધાડની બે ઘટનાઓ બની હતી. જે રીતે લૂંટ-ચોરીના કિસ્સા વધી રહ્યા છે તે જોતાં ચોરો-લૂંટારાઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. ગુજરાતમાં દર વર્ષે મંદિરમાં લૂંટ-ચોરીના સરેરાશ ૧૨૦થી વધુ કિસ્સા બની રહ્યા છે. જે ગુજરાતની કથળેલી કાયદા-વ્યવસ્થાની સ્થિતી પ્રદર્શિત કરે છે.
મંદિરોમાં લૂંટ-ચોરીની ઘટનામાં પોલીસે કુલ મળીને ૪૩૦ ચોરો- લૂંટારાઓને પકડી પાડ્યા છે જયારે ૪૦ આરોપીઓ હજુય પોલીસ પકડથી દુર રહ્યા છે. ગૃહ વિભાગે એવો ય ખુલાસો કર્યો છેકે, છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાંથી કુલ મળીને રૂા.૩,૧૬,૩૧,૭૩૯ ની રોકડ રકમની ચોરી થઈ છે. લૂંટ-ચોરીની ઘટનાઓને પગલે મંદિરો ય સલામત રહ્યા નથી. જોકે,ગૃહવિભાગે એવો બચાવ કર્યો છે કે, મંદિરો પર હવે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ પેટ્રોલીંગ પણ વધારવામાં આવ્યુ છે. પોલીસ અને હોમગાર્ડના જવાનોના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.