ભાવનગર : ભાવનગરમાં એક પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી કે જેણે હજુ દુનિયાદારીને સમજવામાં પાપા પગલી માંડી છે, ત્યાં એક નરાધમ શખ્સે બાળાને હવસનો શિકાર બનાવી પીખી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સાંપ્રત સમાજ માટે લાલબત્તીરૂપ ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના રાણિકામાં જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળિયો સુરેશભાઈ ભીલ નામના નરાધમ શખ્સને હવસનો કીડો સળવળતા ગઈકાલે શનિવારે બપોરના સમયે એક પાંચ વર્ષની બાળકીને પૈસા દેખાડી માવો લઈ આપવાનું કહીં માસૂમને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં શૈતાનને પણ શરમાવે તેમ બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યા બાદ દુુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એફ), ૩૭૬ એબી, ૩૭૭ અને પોક્સો અધિનિયમની કલમ ૪, ૬, ૧૦ મુજબ ગુનો આગળની તપાસ પી.આઈ. એન.કે. ડાભીએ હાથ ધરી હતી. વધુમાં બાળકી ઉપર કુકર્મ થયાનો ગુનો નોંધાતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ આદરી નરાધમ શખ્સ મનીષ ઉર્ફે ગોળિયો ભીલની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.