સુરતની પરિણીતાના આપઘાત બાદ સાસુ, સસરા, નણંદ અને પતિની ધરપકડ કરાઇ

સુરત: શહેરના પાલ વિસ્તારમાં 25 ફેબ્રુઆરીના રોજ પરિણીતા દ્વારા નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેવાના કેસમાં પોલીસ દ્વારા સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, મૃતક પરિણીતાના ભાઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આ કાર્યવાહી કરી છે.

પાલ પોલીસ મથકના જણાવ્યાનુસાર, 25મી ફેબ્રુઆરીના રોજ પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના નવમા માળેથી વર્ષાબેન પંજવાણી નામની પરિણીતાએ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુરતના સલાબત પરા વિસ્તારમાં રેડીમેન્ટ કાપડની દુકાન ધરાવતા શ્યામ ઉર્ફે લખન પંજવાની જોડે વર્ષ 2015માં થયા હતા. કરિયાવરમાં તેણી સોનાના ઘરેણા પણ લાવી હતી. પરંતુ કરિયાવરમાં પિયર પક્ષેથી ખૂબ જ ઓછું સોનુ લાવી હોવાના મહેણા ટોણા સાસુ કમલાબેન દ્વારા અવારનવાર મારવામાં આવતા હતા.

એટલું જ નહીં પરંતુ માનસિક ત્રાસ આપી પતિ અને સાસુ દ્વારા મારઝુડ કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ તેણીની નણંદ નીલમ મહિડા  પણ પોતાની સાસરીમાં ઝઘડો કરી પોતાની માતાને ત્યાં આવી ગઈ હતી.

જ્યાં વર્ષાબેન જોડે ઝઘડો કરી તેણી પણ મારઝૂડ કરી મહેણાં-ટોણા મારતી હતી. પાંચ વર્ષ અગાઉ પુત્રને જન્મ આપ્યા બાદ અવારનવાર આવતા પ્રસંગો દરમિયાન સાસરીયા પક્ષ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જે તમામ માનસિક ત્રાસથી કંટાળેલી વર્ષા પંજવાણીએ વર્ષગાંઠના બીજા દિવસે જ નવમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું.

વર્ષાબેનના આપઘાતના પગલે તેણીના ભાઈ વિષ્ણુ ખલાસીએ આ મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ગુનો નોંધી સાસુ, સસરા, નણંદ અને પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.