નફે સિંહ રાઠીના બે હત્યારા શૂટર ઝડપાયા, ચારમાંથી ૨ શૂટરોની ગોવાથી ધરપકડ કરી

ચંડીગઢ, આઇએનએલડી નેતા અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હરિયાણાની ઝજ્જર પોલીસે નફે સિંહ રાઠીની હત્યા કેસમાં ગોવાથી ૨ આરોપી શૂટરોની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ સૌરભ અને આશિષ છે. બંને દિલ્હીના નાંગલોઈના રહેવાસી છે. હવે પોલીસ અન્ય બે શૂટર્સ નકુલ ઉર્ફે દીપક સાંગવાન અને અતુલને શોધી રહી છે. હાલ બંને પણ ફરાર છે. આ ચાર શૂટર્સ ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા છે.

ગેંગસ્ટર કપિલ સાંગવાન હાલ લંડનમાં છે. તેણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. પોલીસે જે બે શૂટર્સની ધરપકડ કરી છે તેઓને આજે એટલે કે સોમવારે લાઈટ દ્વારા ઝજ્જર લઈ જવામાં આવશે. ઝજ્જર પોલીસ, હરિયાણા એસટીએફ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનમાં કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગના બંને શૂટર્સ ગોવાથી ઝડપાયા છે.

નોંધનીય છે કે નફે સિંહ રાઠીની ૨૫ ફેબ્રુઆરીએ બહાદુરગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લંડન સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાને ફરી એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી લીધી છે. હાલ પોલીસ પણ તે પોસ્ટનું સત્ય જાણવા પ્રયાસ કરી રહી છે. ઝજ્જર પોલીસે જણાવ્યું હતું કે તેઓ સાંગવાન દ્વારા કથિત રીતે હત્યાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહ્યા છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાઠીની સાંગવાનના હરીફ ગેંગસ્ટર સાથે ગાઢ મિત્રતા હતી. ઝજ્જર પોલીસે કહ્યું કે અમે પોસ્ટ અને તેમાં કરાયેલા દાવાઓની તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ૧૫ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને આર્મ્સ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં નાફે સિંહ રાઠીના ભત્રીજા રાકેશે જણાવ્યું હતું કે પાંચ અજાણ્યા હત્યારા તેમની કારનો પીછો કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ બારાહી રેલવે ક્રોસિંગ પાસે કારમાંથી બહાર આવ્યા અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી.

અગાઉ ૨૯ ફેબ્રુઆરીના રોજ નફે સિંહ રાઠીના બે પુત્રોને એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં તેમને હત્યા અંગે મીડિયા સાથે વાત ન કરવા કહેવામાં આવ્યું હતું.આઇએનએલડી નેતા નફે સિંહ રાઠીના ભત્રીજા કપૂર સિંહ રાઠીએ જણાવ્યું કે તેમના કાકાના મોટા પુત્ર ભૂપિન્દર અને નાના પુત્ર જતિન્દરને અજાણ્યા નંબરો પરથી ૧૮ ધમકીભર્યા કોલ આવ્યા છે. તેણે કહ્યું, ફોન કરનારે અમને હથિયારની તસવીર પણ મોકલી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે જો અમે મીડિયા સાથે વાત કરવાનું બંધ નહીં કર્યું તો તે તેનો ઉપયોગ પરિવારને ખતમ કરવા માટે કરશે.