ધારાસભ્ય તાપસ રોયે લોક્સભા ચૂંટણી પહેલા ટીએમસી છોડી

કોલકતા, લોક્સભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય તાપસ રોયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલા તેમણે સંદેશખાલીના મામલાને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે લોક્સભા ચૂંટણી પહેલા પાર્ટી છોડવાના સંકેત પણ આપ્યા હતા.

વિધાનસભામાં ટીએમસીના ડેપ્યુટી ચીફ વ્હીપે પણ પાર્ટીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જાન્યુઆરીમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા ત્યારે પાર્ટી તેમની સાથે ન હતી. તાપસ રોયે કહ્યું, હું પાર્ટીના કામકાજથી નિરાશ છું. પાર્ટી અને સરકાર પર લાગેલા ઘણા ભ્રષ્ટાચારના આરોપોથી હું કંટાળી ગયો હતો. બીજું, સંદેશખાલીના મુદ્દાને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેનું હું સમર્થન કરતો નથી.

ટીએમસીના વરિષ્ઠ નેતાઓ કુણાલ ઘોષ અને બ્રત્યા બસુ આજે સવારે તેમને શાંત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉત્તર કોલકાતાના સાંસદ સુદીપ બંદોપાયાય સાથે પણ તેમનો વિવાદ ચાલી રહ્યો હતો. તાપસ રોયે કહ્યું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી પાર્ટીનો ઈમાનદાર નેતા છું, પરંતુ મને ક્યારેય મારી રકમ મળી નથી. રાજીનામું આપ્યા પછી, જ્યારે તેમને ભાજપમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે હાલમાં આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.