કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ

ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. સવારે અંબરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું.ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એટલે કે લોક્સભા ચૂંટણી વધુ એક ઝટકો લાગ્યો છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પહોંચવાની છે, બીજીતરફ કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે.

પોરબંદરથી ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આજે સાંજે પાંચ કલાકે અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાએ ૨૦૨૨ની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના બાબુ બોખિરિયાને હરાવી જીત મેળવી હતી.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૧૫૬ સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૧૭ સીટો મળી હતી. કોંગ્રેસના ૧૭ ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો પહેલા રાજીનામા આપી ચુક્યા છે. હવે પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. એટલે કે હવે કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર ૧૪ ધારાસભ્યો રહ્યાં છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપ કોંર્ગ્રેસનો સફાયો કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને કેસરિયો કરી રહ્યાં છે. અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જવાથી કોંગ્રેસની વોટબેંકને ફટકો પડશે.

કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે શક્તિસિંહ ગોહીલએ કહ્યું કે, દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં માં-બાપની સેવા કરે. અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે. આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે.