આર્થિક સંકટ વચ્ચે, શાહબાઝ શરીફે બીજી વખત દેશની બાગડોર સંભાળી, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

ઇસ્લામાબાદ, પીએમએલ-એન પ્રમુખ શહેબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વર્ષ ૨૦૨૨ બાદ તેમણે બીજી વખત દેશની બાગડોર સંભાળી છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આઈવાન-એ-સદર (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે આયોજિત સમારોહમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા.

આ સમારોહમાં ત્રણેય સેનાના વડાઓ, વરિષ્ઠ અધિકારીઓ, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, નાગરિક સમાજના સભ્યો અને મીડિયા સંસ્થાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકર પણ હાજર હતા. સમારોહની શરૂઆત પવિત્ર કુરાનની પઠનથી થઈ હતી. જે બાદ શાહબાઝ શરીફે શપથ લીધા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝ અને અન્ય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના કાર્યકરો હાજર હતા. શહેબાઝ શરીફ અગાઉ એપ્રિલ ૨૦૨૨ થી ઓગસ્ટ ૨૦૨૩ સુધી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ ગઠબંધન સરકારમાં વડા પ્રધાન હતા.

રાષ્ટ્રપતિ અલ્વીએ ૨૦૨૨માં શાહબાઝ શરીફને શપથ લેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. રાષ્ટ્રપતિ બનતા પહેલા અલ્વી ઈમરાનની પીટીઆઈ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા.

આ શપથ ગ્રહણ સમારોહ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે સત્તાની વહેંચણી પર સહમત થયાના દિવસો બાદ થઈ રહ્યો છે. રવિવારે, શહેબાઝ શરીફે વિપક્ષના નારા વચ્ચે નવી ચૂંટાયેલી સંસદમાં બહુમતી મેળવી હતી. પીએમએલ એન અને પીપીપીના ઉમેદવાર શેહબાઝને ૩૩૬ સભ્યોની સંસદમાં ૨૦૧ મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઓમર અયુબ ખાનને ૯૨ વોટ મળ્યા હતા. વોટ હેરાફેરીના આરોપો વચ્ચે ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં પીએમએલ એનને સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી. પાર્ટીને ૭૫ બેઠકો મળી હતી.