કમોસમી વરસાદને લઈ દે.બારીઆ તાલુકામાં ખેતીના પાકને મોટુ નુકસાન

દે.બારીઆ, દે.બારીઆ પંથકના વાતાવરણમાં અચાનક પલટો થતાં ધોધમાર ચક્રાવાતી વરસાદ ખાબકયો હતો. જેને લઈ પંથકમાં મકાઈ, કપાસ સહિતના શાકભાજીના પાકોને ભારે નુકસાન થવા પામ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકામાં ઓચિંતો વાતાવરણમાં પલ્ટો આવતા વહેલી સવારથી જ શિયાળાની મોસમ, બપોરે ઉનાળો અને સાંજના સમયે કે જાણે ચોમાસુ સત્રનુ આગમન થયુ હોય તેવુ વાતાવરણ બદલાઈ જતા ખેડુતોની ચિંતામાં વધારો થયો હતો. ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પીપલોદ, મોટીઝરી, અંતેલા, પંચેલા, ભથવાડા, સાગટાળા, દેગાવાડા, સહિતના મોટાભાગના ગામડાઓમાં માવઠાની મોસમ જામી વરસાદ ખાબકયો હતો. કેટલાક ખેડુતોના ખેતરમાં હજુ ધઉં અને મકાઈનો પાક તૈયાર ઉભો પડ્યો છે.કયાંક કપાસ, સોયાબીન, તુવેર, મગ, મગફળી અને શાકભાજીનુ પણ મોટુ નુકસાન થયુ છે. વરસાદની શરૂઆત થતાં સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. પીપલોદ બજારમાં વીજળી ડુલ થઈ જતાં અંધારપાટ છવાયો હતો. આમ દે.બારીઆ તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડુતોને મોટુ નુકસાન થવા પામ્યુ છે.