બોર્ડની તૈયારીઓ કરતા વિધાર્થીઓ માટે દે.બારીઆ તાલુકામાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ના ધોંધાટથી ખલેલ

દે.બારીઆ, દે.બારીઆ તાલુકામાં ડીજે સાઉન્ડનુ ઘ્વનિ પ્રદુષણ વધી ગયુ છે. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે. મોડી રાત સુધી મોટા મોટા અવાજમાં થતા ધોંધાટને લઈ વિધાર્થીઓને વાંચન વિક્ષેપ થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકા સહિત અન્ય તાલુકામાં પણ હાલમાં લગ્નની સીઝનની શરૂઆત થઈ ચુકી છે. સાથો સાથ ચાંદલાવિધિ અને બાધા આખડીઓમાં પણ હવે દેશી ઢોલ શરણાઈ ભુલીને ડીજે સાઉન્ડનો અભરખો ગામડાની જનતાને લાગ્યો છે. હોળીના તહેવારો હવે નજીક આવી રહ્યા છે. હોળાષ્ટક બેસે તે પહેલા લગ્ન અને કોઈપણ બાધા આખડીઓ ગામડાના લોકો કરી રહ્યા છે. ત્યારે દેશી ઢોલ અને શરણાઈનો અવાજ મોડી રાત સુધી ગામમાં સંભળાતો હોય પણ હવે મોડી રાત સુધી ડીજે સાઉન્ડનો મોટો અવાજ ચાર ગામ સુધી સંભળાતો હોય છે. સરકારના નિયમો મુજબ કોઈ પરમીશન આ ડીજેવાળાઓ લેતા નથી. સરકારી ગાઈડલાઈન મુજબ અને જાહેર કરેલ પરીપત્ર મુજબ અવાજની નકકી કરેલ કોઈ માત્રાનો કોઈ માપ હોતુ નથી. હાલમાં એક તરફ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે કયાંક કયાંક ડીજે સાઉન્ડવાળાઓ આખી રાત બોર્ડ પરીક્ષાની તૈયારીઓ કરતા વિધાર્થીઓને અભ્યાસમાં મોટો ખલેલ પહોંચાડી રહ્યા છે.