શહેરાના પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરા,શહેરામાં રહેતા આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી લઈ ગયેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પોકસો એકટનો ગુનો ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા અને 15,000/-રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરામાં રહેતા ભરતભાઇ ભુદરભાઈ પ્રજાપતિ (રહે. મુળ બોરીયા, તા.શહેરા, હાલ. રહે. શહેરા શીવમ સોસાયટી) દ્વારા 2022 ફેબ્રુઆરીમાં શહેરાની સગીરાને શારીરિક શોષણ કરવાના ઈરાદે ફરિયાદીના વાલીપણા માંથી ભગાડી ગયેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાબતે ગોધરા સ્પે.જજ તથા ત્રીજા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેશ ચાલી જતાં સરકારી મદદનિશ વકિલ આર.એમ.ગોહિલ એ વિગતવાર દલીલો રજુ કરી હતી. કોર્ટ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરતભાઇ પ્રજાપતિને 20 વર્ષ સખત કેદની સજા અને 15,000/-રૂપીયાનો દંડની સજા ફટકારવામાં આવી.