સફળ સોનેટની હારમાળા

‘સમય તો થયો’ એ સંધ્યા ભટ્ટનું પુસ્તક છે. તે સોનેટ સંગ્રહ છે. બંધુ ત્રિપુટી ઉશ્ર્નસ, જયંત પાઠક અને રમણ પાઠક વાચસ્પતિને પુસ્તક અર્પણ કરાયું છે. ભાવનગરના વિનોદ જોષીએ ‘સોનેટના સીમાડે પહોંચેલી સર્જક્તા’ અંતર્ગત ચાર કરતાં વધારે પાન ઉપર વિશદ્દ ચર્ચા કરી છે. કાવ્ય સર્જકે ભાષામાં ઘણું બધું કરવાનું હોય છે. અહીં રજૂ થયેલ કૃતિઓ સોનેટ અને સંસ્કૃત વૃત્તો આવું ભાગ્યે જ જોવા મળે છે. પ્રગટ થયેલા સોનેટનું ખૂબ ઊંડાણપૂર્વક અધ્યયન રજૂ કર્યું છે. મોટાભાગના સોનેટના ઉદાહરણો રજૂ કર્યા છે. સંધ્યા ભટ્ટના આ સોનેટ સંગ્રહને એક નોંધપાત્ર ઉન્મેષ લેખે ઘટાવી શકાય. ‘મારી સોનેટ યાત્રા’ શીર્ષક અંતર્ગત કવયિત્રી સંધ્યા ભટ્ટે સરસ વાતો કરી છે. તેઓ લખે છે કે મને માતૃભાષા ખૂબ ગમતી અને વળી ઘરમાં કર્મકાંડનું વાતાવરણ. બારડોલીમાં રહેતા રમણ પાઠક પાસે શીખવાનું શરૂ કર્યું. પછી વિવિધ સામયિકોમાં તેમનાં સોનેટ પ્રકાશિત થવા માંડ્યાં. અંતમાં આભાર માન્યો છે.

પછીના ચોપ્પન પૃષ્ઠ ઉપર તેમના વિવિધ સોનેટ રજૂ થયાં છે. જે-તે કયા સામયિકમાં ક્યારે પ્રગટ થયા છે, તેની વિગત આપી છે. તથા પ્રત્યેક સોનેટ કયા છંદમાં લખાયા છે તેની માહિતી પણ મૂકવામાં આવી છે.

‘પ્રાર્થના’માં મા સરસ્વતી પાસે વરદાન માગ્યું છે. ‘યાત્રા’માં ઝંઝાવાતો સામે અડીખમ ઊભા રહેવાની વાત છે. ‘માતૃભાષા : મારું સુખ’માં ભાષાનો મહિમા છે. ‘હુકમ દઈને’માં સૃષ્ટિદાતાનું સ્મરણ કર્યું છે. ‘બાપુને સ્મરીને’માં ગાંધીજીનું સ્મરણ કર્યું છે. ઉનાળો અને શિયાળોમાં ૠતુનું સહજ વર્ણન છે. ‘પુત્ર ચાલી જતાં’માં જીવનના ખાલીપાનું ચિત્ર છે. ‘એક સવારે’માં સૂર્યની શુકન લઈને આવતી સવારીની નયનરમ્ય વાત છે.

‘તરુણાઈ’માં અવસ્થાના વ્યાપક સ્વરૂપની વાત છે. ‘વસંત-દરબાર’માં વસંતને કારણે થતા વ્યાપક ફેરફારની વાત છે. ‘નિશાળો ખૂલી ગઈ’માં ભણતા શિશુઓનું વર્ણન છે. ખુશી જતી રહે અને ભણતરનો બોજ વધે છે. ‘ક્સોટી’માં ઉનાળાના આગમનની વ્યાપક અસરોની વાત છે. ‘પ્રતીક્ષા’માં મનને ભરીને કંઈક નવું મળે એવો ભાવ છે. ‘નદી… એક કન્યકા’માં અવિરત વહેતી સરિતાની વાત છે. નદીના જળ સૂકાઈ જતાં કાદવનું સામ્રાજ્ય થાય છે. ‘દિવાળીએ’માં ઘરની સફાઈ, દીવડાઓ અને નવલા વર્ષને આવકારવાની વાત છે. ‘ચૂંટણી વિશેનું સોનેટ’માં ચૂંટણીનું જીવંત ચિત્ર પ્રયોજાયું છે.