મહેસાણા જિલ્લા પંચાયતના બજેટમાં રૂ.૧૭૫૪.૭૪ કરોડના ખર્ચની જોગવાઈ

મહેસાણા, મહેસાણા જિલ્લા પંચાયતની બજેટ સભામાં રૂ.૧૭૫૪.૭૪ કરોડના ખર્ચની જોગવાઈ કરતું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને તેમના મત વિસ્તારમાં લોક ઉપયોગી વિકાસના કામ માટે કુલ રૂ.૮૮૮.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ અંદાજપત્રમાં વિકાસ, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, આયુર્વેદ, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ અને પોષણ ક્ષેત્રોની યોજનાઓ માટે રૂ.૨૧.૪૮ કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું આકસ્મિક મૃત્યુ થાય તો વારસદારોને રૂ.૧.૦૦ લાખ સહાય ચુકવવાની તેમજ જિલ્લા પંચાયત વિસ્તારના કોઈ સૈનિક શહીદ થાય તો પરિવારને રૂ. ૧.૦૦ લાખ સહાય તરીકે ચૂકવાશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના બજેટમાં શાળાઓમાં સુરક્ષા હેતુ સીસીટીવી કેમેરા, સ્માર્ટ કલાસ બનાવવા, અદ્યતન કોમ્પ્યુટર લેબ માટે રૂ.૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પ્રાથમિક શાળાનાં બાળકોને ગણવેશ સહાય યોજના હેઠળ ૧૦,૦૦૦ છાત્રોને રૂ.૩.૦૦ લેખે ગણવેશ સહાય અપાશે. કોઈ શાળામાં જે તે વિષયના શિક્ષક ન હોય તેવી શાળામાં પ્રવાસી શિક્ષક પુરા પાડવા રૂ. ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, જુવેનાઈલ ડાયાબિટીસ વાહક જન્ય રોગ સહિતની આરોગ્યલક્ષી યોજનાઓ માટે પણ બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે. વધુમાં ખેતીવાડી ઉત્પાદનના વેચાણ અર્થે તાલુકા લેવલે અને જિલ્લાકક્ષાએ સ્ટોલ બનાવાશે. સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તાર માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા પંચાયતની પંચાયત શાખાના નાયબ ડીડીઓ પદ્મિની રાઠોડની બનાસકાંઠા જિલ્લામાં બદલી થઈ હતી. પરંતુ, તેઓ બજેટ સભામાં હાજર રહેતાં તેમણે ચાર્જ છોડયો ન હતો. સાધારણ સભામાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ તૃષાબેન પટેલ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ હરિભાઈ પટેલ, તમામ સદસ્યો ઉપરાંત શાખા અધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવી વિદાય સમારોહ જેવો માહોલ સર્જ્યો હતો અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.