ભાજપના ૧૯૫ નામોના લિસ્ટમાં એકમાત્ર મુસ્લિમ અબ્દુલ સલામ ઉમેદવાર

નવીદિલ્હી,લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભારતીય જનતા પાર્ટીએ ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ઘણા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. તો લિસ્ટમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ સલામને કેરલની મલપ્પુરમ સીટથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ યાદીમાં કેરલથી ભાજપે પોતાના ૧૨ ઉમેદવારોને ટિકિટ આપી છે અને જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે તેમનું નામ છે અબ્દુલ સલામ.

કેરલમાં ભાજપે આ કારણ મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ સલામ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કારણ કે તે ત્યાં એક સેકુલર ફેસ છે. અબ્દુલ સલામના નામને લઈને ઘણા દિવસથી ચર્ચા હતી અને આજે તેના પર મહોર લાગી છે. હજુ ભાજપ બીજા ઉમેદવારોની જાહેરાત કરશે ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી કેટલા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે અને શું કેરલની જેમ ભાજપ અન્ય રાજ્યોમાં આ દાવ અજમાવશે.

ડોક્ટર અબ્દુલ સલામ તિરૂરથી આવે છે અને ભાજપના નેતા છે. અબ્દુલ સલામ કોલીકટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા અને તેઓ વર્ષ ૨૦૧૧થી લઈને ૨૦૧૫ સુધી વાઇસ ચાન્સલરના રૂપમાં કાર્યરત હતા. તે સમયે તેમના યુડીએફે નોમિનેટ કર્યા હતા, જેના પર કોંગ્રેસની પકડ છે. પરંતુ વર્ષ ૨૦૧૯માં તે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. માઈ નેતા ડોટ ઇનફો અનુસાર તેમની કુલ સંપત્તિ ૬ કરોડ ૪૭ લાખ રૂપિયા છે અને તેમના વિરુદ્ધ કોઈ કેસ નથી.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં ઘણી એવી સીટ છે, જ્યાં અલ્પસંખ્યક ઉમેદવાર ઉતારી શકાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તમામ પાસાં જોયા બાદ ઉમેદવારની જાહેરાત કરે છે. જેમ કે યુપીમાં મુસ્લિમ મેજોરિટી સીટ સંબલથી ભાજપે પરમેશ્ર્વર લાલ સૈની, અમરોહાથી કંવર સિંહ તંવર અને રામપુરથી ઘનશ્યામ લોધીને ઉતાર્યા છે. રામપુરમાં જ્યાં મુસ્લિમ વોટરોનો દબદબો છે, ત્યાં પાછલી પેટાચૂંટણીમાં ઘનશ્યામ લોધી જીત્યા હતા અને ૨૦૧૪ની ચૂંટણીમાં સંભલ સીટ ભાજપે જીતી હતી. તેમ લાગે છે કે ભાજપ પોતાના જૂના સામાજિક સમીકરણ પણ ચાલી રહ્યું છે.