ગુવાહાટી, આસામમાં જો નાગરિક (સુધારા) કાયદો (સીએએ) અમલી બનશે તો વિરોધ પક્ષો એક દિવસની હડતાળ પાડશે તેવી ધમકીના બીજા દિવસે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે ચેતવણી આપી છે કે આંદોલનને કારણે આશરે એક દિવસમાં આશરે રૂ. ૧,૬૪૩ કરોડનું નુક્સાન થવાનો અંદાજ છે. જે આંદોલન કરતી સંસ્થાઓ પાસેથી વસૂલી શકાશે.
ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇક્ધ્લુઝિવ એલાયન્સની જેમ રચાયેલા વિરોધ પક્ષના સંગઠન યુનાઇટેડ અપોઝિશન ફોરમ આસામ (યુઓએફએ)એ બુધવારે જાહેરાત કરી હતી કે જે દિવસે વિવાદાસ્પદ સીએએ અમલમાં આવશે તેના બીજા જ દિવસે રાજ્યભરમાં બંધનું આહ્વાન કરાશે.એ પછીના દિવસે જનતા ભવન (સચિવાલય)નો ’ઘેરાવ’ કરવામાં આવશે. એકસ પર એક પોસ્ટમાં સિંહે બંધ અંગે ૨૦૧૯માં ગૌહાટી હાઇકોર્ટના આદેશના બે પાના પણ શેર કર્યા હતા અને જૂન ૨૦૨૨ના રોજે પોતે આ મુદે કરેલા નિવેદનને ફરીથી પોસ્ટ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ’એ કહેવાની જરૂર નથી કે આસામની જીએસડીપી રૂ. ૫,૬૫,૪૦૧ કરોડ છે અને એક દિવસનું બંધ થશે તો તેનાથી અંદાજે રૂ. ૧,૬૪૩ કરોડનું નુક્સાન થશે. આમ ગૌહાટી હાઇકોર્ટના આદેશની પેરા ૩૫(૯)ને અનુરૂપ આવા બંધ માટે આટલી રકમ રિકવર કરવાની રહેશે.’
ડીજીપીના પોસ્ટના પ્રતિસાદમાં રાઇજોર દળના વડા અને ધારાસભ્ય અખિલ ગોગોઇએ કહ્યું હતું કે જો સીએએનો અમલ નહિ થાય તો કોઇ સમસ્યા નહિ થાય. તમે કાળો કાયદો લાવો અને અમે વિરોધ કરીએ તો નુક્સાન બદલ અમને સજા કરાશે? આ નુક્સાન માટે દોષી કોણ રહેશે? ભાજપ કે અમે? તેઓ ૧૫-૨૦ લાખ બાંગ્લાદેશીઓન નાગરિકત્વ આપી રહ્યા છે અને અમે તેનો વિરોધ પણ ન કરી શકીએ? આસામમાં વિરોધ પક્ષોએ સીએએ નાબૂદ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના દરમિયાનગીરીની માગણી કરી છે અને કહ્યું છે કે જો તેમની માગણી પૂર્ણ નહિ થાય તો તેઓ રાજ્યભરમાં ’લોકશાહી જન ચળવળ’ હાથ ધરશે. ૧૬ પક્ષના યુઓએફએએ રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને આવેદનપત્ર મોકલ્યું હતું. આ કાયદો ગેરબંધારણીય છે એમ તેમણે ઉમેર્યું હતું.