વોશિંગ્ટન, છેલ્લા કેટલાક સમયથી જો બાઇડેનની નાદુરસ્ત તબિયત અંગેની અટકળો વચ્ચે તેમના ડોક્ટરે જણાવ્યું છે કે, અમેરિકન પ્રેસિડેન્ટ તેમની તમામ જવાબદારી નિભાવવા સંપૂર્ણ ફિટ છે અને ૮૧ વર્ષના બાઇડેનને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા નથી. વ્હાઇટ હાઉસે રાબેતા મુજબના વાર્ષિક હેલ્થ ચેક-અપને પગલે પ્રેસિડેન્ટ બાઇડનની ’વર્તમાન સ્વાસ્થ્ય સમરી’ અંગે માહિતી આપી હતી.
અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે ત્યારે બાઇડેનના સ્વાસ્થ્ય અંગેની આશંકા પર પૂર્ણવિરામ મુકાયું છે. અમેરિકન પ્રેસિડેન્ટના ફિઝિશિયન (ડોક્ટર) ડો. કેવિન ઓ’કોનરે જણાવ્યું હતું કે, ’તે ફરજ બજાવવા સંપૂર્ણ ફિટ છે.’ બાઇડેનના વાષક મેડિકલ ચેક-અપમાં વિવિધ નિષ્ણાત કન્સલ્ટન્ટ્સ દ્વારા તપાસનો સમાવેશ થતો હતો.
હેલ્થ ચેક-અપ કરાવીને પરત ફર્યા પછી બાઇડેને રમૂજમાં જણાવ્યું હતું કે, ’ડોક્ટર્સને મને કહ્યું હતું કે હું યુવાન લાગી રહ્યો છું.’ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ’હેલ્થ ચેક-અપમાં ગયા વર્ષની તુલનામાં કોઈ ફેરફાર નથી. બધું બરાબર છે.’ વ્હાઇટ હાઉસ તેની પરંપરા અનુસાર અમેરિકન પ્રેસિડેન્ટના વાષક હેલ્થ ચેક-અપની માહિતીને પ્રેસિડેન્ટના ડોક્ટરના મેમો તરીકે રજૂ કરે છે.