રાફા, ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઈક થઈ હતી. એમાં ૭૦નાં મોત થયા હતા અને ૨૮૦થી વધુને ઈજા પહોંચી હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં મૃત્યુ આંક ૩૦ હજારને પાર પહોંચી ગયો છે. આ ઘટનાના વિડીયો અને ફોટોમાં ચારે બાજુ મૃતદેહો વેરાયેલા પડયા હોવાનું જણાતું હતું.
સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે ૨૩ લાખ પેલેસ્ટાઈની નાગરિકો ભૂખમરાથી પીડાઈ રહ્યાં છે. ગાઝામાં રહેતા લોકો ભોજન માટે વલખાં મારી રહ્યાં છે. તેમને માનવીય સહાય આપવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ફૂડ પેકેટ્સ, ભોજન સહિતની સામગ્રી આપવામાં આવી રહી હતી ત્યારે લોકો એ લેવા માટે લાઈનમાં ઉભા હતા. બરાબર એ જ વખતે ઈઝરાયલી સૈન્યએ એરસ્ટ્રાઈક કરી હતી.
સ્થાનિક હેલ્થ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકો સહાય મેળવવા ઉભા હતા ત્યારે અચાનક બોમ્બ વર્ષા થઈ હતી. તેના કારણે આખાય વિસ્તારમાં ભાગદોડ મચી હતી અને અરાજક્તા સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી ઘણાંએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલોમાં પણ ઘાયલોને જમીન પર સૂવડાવીને સારવાર આપવી પડી હતી. મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વીજળીના અભાવે લોકોને હોસ્પિટલમાં પહોંચાડી શકાયા ન હતા. બીજી તરફ ઈઝરાયલી સૈન્યએ આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને એક નિવેદનમાં કહ્યું હતું કે આવા અહેવાલો તરફ યાન આપી રહ્યાં છીએ.
પેલેસ્ટાઈનના અધિકારીઓના આંકડાં પ્રમાણ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૩૦ હજારનો ભોગ લેવાયો છે અને ઈજાગ્રસ્તોનો આંકડો પણ ૭૦ હજારને પાર થયો છે.