દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે ચકચારી બનાવ બનવા પામ્યો છે. જેમાં અગાઉના ઝગડાની અદાવત રાખી મહિલા સહિત બે ઈસમોએ એક વ્યક્તિના ઘર ઉપર પથ્થર મારો કરતાં એક નવજાત 6 દિવસના બાળકને માથાના ભાગે પથ્થરો વાગતાં નવજાત બાળકનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા.29મી ઓક્ટોમ્બરના રોજ ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે ડાબુડીયા ફળિયામાં રહેતાં મલાભાઈ સડીયાભાઈ ડામોર અને રાધાબેન દિતાભાઈ ડામોરે ઝાલોદ તાલુકાના મહુડી ગામે પારગી ફળિયામાં રહેતાં ભાવેશભાઈ દેવસીંગભાઈ પારગીના સસરાની સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ભાવેશભાઈ તથા તેમના પરિવારજનો ફુલપુરા ગામે હાજર હતા. તે સમયે મલાભાઈ તથા તેમની સાથે રાધાબેન એમ બંન્ને જણા અગાઉના ઝઘડાની અદાવત રાખી, બેફામ ગાળો બોલી, એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને હાથમાં પથ્થરો લાવી ઘર ઉપર પથ્થર મારો કરતાં ભાવેશભાઈના 06 દિવસના બાળકને માથાના ભાગે પથ્થરો વાગતાં ભાવેશભાઈ દ્વારા નવજાત બાળકને ચાદરમાં વીટાળી નજીકના ખેતરમાં લઈ ગયાં હતા. જ્યાં ચાદર કાઢતાં બાળકને જોતા બાળકના માથાના ભાગે પથ્થરો વાગતાં ગંભીર ઈજાઓને પગલે નવજાત બાળકનું મોત નીપજતાં પરિવારજમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યારે પથ્થર મારો કરનાર મલાભાઈ તથા રાધાબેન બંન્ને નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે બંન્નેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
આ સંબંધે ભાવેશભાઈ દેવસીંગભાઈ પારગીએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.