આજથી માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મહિનાના પહેલા જ દિવસે એટલે કે 1 માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ એકવાર ફરીથી વધી ગયા છે. 1 માર્ચના રોજ ગેસનો બાટલો મોંઘો થયો છે. જો કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરીથી એકવાર કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કર્યો છે. નવા રેટ ખાસ ચેક કરી લો….
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીનો ઝટકો આપ્યો છે. ગત મહિને બજેટવાળા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ 14 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરના ભાવમાં એકવાર ફરીથી વધારો કરતા કોમર્શિયલ ગેસનો બાટલો 25.50 રૂપિયા મોંઘો થયો છે.OMCs એ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા છે. જે આજથી એટલે કે 1 માર્ચ 2024થી લાગૂ થઈ ગયા છે. આ ઉપરાંત હવાઈ ઈંધણના ભાવ પણ વધ્યા છે.
નવા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1795 રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં 1911 રૂપિયામાં બાટલો મળશે. મુંબઈમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ હવે વધીને 1749 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં 1960.50 રૂપિયા રેટ થયો છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરાયો નથી. માત્ર કોમર્શિયલ ગેસના બાટલામાં ભાવ વધારો ઝીંકાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થિર છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરનો ભાવ 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં બાટલો મળે છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે.
આ અગાઉ ફેરફાર હેઠળ દિલ્હામાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1755.50 રૂપિયાથી વધીને 1769.50 રૂપિયા કરવામાં આવ્યો હતો. જ્યારે કોલકાતામાં એક સિલિન્ડરનો ભાવ 1869 રૂપિયાથી વધારીને 1887 રૂપિયા કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પહેલા જે કોમર્શિયલ સિલિન્ડર 1708 રૂપિયે મળતો હતો તે હવે 1723 રૂપિયાનો થઈ ગયો હતો. ચેન્નાઈમાં પણ ભાવ 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થયો હતો.
ઓઈલ કંપનીઓએ આજે હવાઈ ઈંધણના પણ ભાવ વધાર્યા છે. હવાઈ ઈંધણના ભાવમાં 624.37 રૂપિયા કિલો પ્રતિ લીટરનો વધારો કર્યો છે. ભાવમાં વધારાથી સતત ચાર કાપના સિલસિલા પર બ્રેક લાગી છે. હવાઈ ઈંધણના નવા ભાવ પણ આજથી લાગૂ થઈ શકે છે.