દાહોદ,સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2.0 ની કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જીલ્લા વહીવટી તંત્ર તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, નેશનલ એસોસિઅન ફોર ધી બ્લાઇન્ડ દાહોદના સંયુક્ત ક્રમે યોજવામાં આવેલ દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પે. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ, વાલીઓ તેમજ સ્પે. શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટરએ પ્રાસંગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, સરકાર આપણા દાહોદને આગળ વધવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. સમય જતાં સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. દરેક દિવ્યાંગજનોએ પણ પોતાનો મત આપી આપણા રાષ્ટ્ર્ર વિકાસ અર્થે પોતાનો ફાળો આપવો જોઈએ એમ કહેતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,આપણા આજના દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં પરંતુ તકની અને પ્લેટફોર્મની જરૂર છે. એમ જણાવતા તેઓએ આવેલ દરેક દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
આ કાર્યક્રમ ઉપક્રમે જીલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ. એલ. રામાણી, જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ પ્રમુખ ડો. નાગેન્દ્રનાથ નાગર તેમજ અન્ય મહેનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અંતે સમગ્ર સમાજ તેમજ જીલ્લાને નશામુક્તિ માટેનો સંદેશ આપતાં ત્યાં ઉપસ્થિત તમામ દ્વારા વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારનું વ્યસન નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી