દેશનાં ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, હિમાચલ અને કર્ણાટકથી રાજ્યસભાના પંદર સભ્યો માટે ચૂંટણીમાં વિભિન્ન પાર્ટીઓના ધારાસભ્યોના ક્રોસ વોટિંગની ઘટનાઓ ના તો પહેલી વારની છે કે ના આ આખરી હશે. પરંતુ આવી ઘટનાઓ રાજકીય કૌતુક ભલે ગમે તેટલું પેદા કરે, તેની પ્રશંસા ન કરી શકાય, કારણ કે તે આપણી લોક્તાંત્રિક વ્યવસ્થામાં જનતાના ભરોસાને કમજોર કરે છે. ચાહે તે સપાના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના કે ભાજપ કે સુભાસપાના, આ તમામ પાટલી બદલુ ધારાસભ્યોની આસ્થા જો પોતપોતાના પક્ષમાં ખતમ થઈ ગઈ હતી, તો તેમણે પોતાના પદેથી રાજીનામું આપીને નવો જનાદેશ લેવો જોઇતો હતો, પરંતુ કોઈ વિરલ જ આવું ઉદાહરણ રજૂ કરી શકે. એવું નથી કે કોઈ પક્ષથી ધારાસભ્ય કે સાંસદ ચૂંટાયા બાદ કોઈ વ્યક્તિ આગામી પાંચ વર્ષ માટે બૌદ્ઘિક રૂપે ગુલામ બની જાય છે, બલ્કે સદસ્ય દેશહિત અને જનહિતમાં પાર્ટી લાઈન વિરુદ્ઘ બોલવા માટે સંપૂર્ણ આઝાદ છે, જ્યારે સાંસદો-ધારાસભ્યોએ વિભિન્ન મુદ્દાઓ પર પાર્ટી લાઈન વિરુદ્ઘ મંતવ્ય રજૂ કર્યા છે. ભારતીય લોક્તંત્રની વૈશ્ર્વિક પ્રતિષ્ઠામાં આ અસહમત અવાજોનું ક્યાંય મોટું યોગદાન છે. દેખીતું છે, એવા સદસ્ય પોતાના મજબૂત નૈતિક બળના સહારે જ ચાલતા હોય છે, પરંતુ દુર્યોગથી હાલના વર્ષો-દાયકાઓમાં સત્તા કે સ્વાર્થ-સિદ્ઘિ માટે તડજોડની કોશિશ વધુ દેખાઈ છે.
એકંદરે પાટલી બદલનારા સદસ્યોના આચરણથી ઇતર આ રાજ્યસભા ચૂંટણી રાજકીય પક્ષોના પ્રબંધ કૌશલને પણ ઉજાગર કરી ગઈ. ખાસ કરીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી માટે આ પરિણામોમાં ઘણા બોધપાઠ છે. એક તો સપાના ઉમેદવારોની પસંદગીથી જ સહયોગી પક્ષોની નારાજગી ખુલીને સામે આવી હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં પાર્ટીના ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ સ્પષ્ટ દર્શાવે છે કે નેતૃત્વએ તેમને ભરોસામાં ન લીધા. આખરે તેમને સંતુષ્ટ કરવાની જવાબદારી કોની હતી? જ્યારે ભાજપે પોતાનો આઠમો ઉમેદવાર ઉતારી દીધો હતો, ત્યારે જ પાર્ટી નેતૃત્વએ વધુ સક્રિયતા નહોતી દેખાડવી જોઇતી? આશ્ર્ચર્યની વાત છે કે પાર્ટીના મુખ્ય સચેતકની જ પ્રતિબદ્ઘતા ડામાડોળ હતી અને નેતૃત્વ તેનાથી ગાફેલ હતું? એનાથી પણ ખરાબ હાલત તો હિમાચલમાં કોંગ્રેસની રહી. ઉત્તર ભારતમાં અહીં તેની એકમાત્ર સરકાર છે અને ૬૮ સદસ્યોની વિધાનસભામાં તેની પાસે ૪૦ ધારાસભ્યો છે, તેમ છતાં તેના ઉમેદવારની જે દુર્ગતિ થઈ, તે પાર્ટી નેતૃત્વની કમજોરીને ખરાબ રીતે ઉઘાડી પાડી ગઈ. ત્યાં તેમની સરકાર જ હવે સંકટમાં છે. એવામાં તે રાજ્યમાંથી લોક્સભાની ચાર સીટો માટે કોઈ આશા કેવી રીતે રાખી શકે? લોક્સભા ચૂંટણી હોય કે રાજ્યસભા, તે નજીક આવતાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓનું પાટલી બદલવું સામાન્ય વાત છે. પરંતુ રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ અને એનડીએની મોરચાબંધી દર્શાવે છે કે તે કયા લ-યથી પ્રેરિત છે અને ઉચ્ચ સદનમાં પણ બહુમતી હાંસલ કરવાને લઈને સત્તારૂઢ ગઠબંધન કેટલું ગંભીર છે. ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી એનડીએને રાજ્યસભામાં બહુમતી નથી મળી, પણ તે લોક્સભા ચૂંટણીથી ઠીક પહેલાં વિપક્ષ પાસેથી સીટો આંચકીને મતદારોને એ સંદેશ આપવા માગે છે કે તેનો કોઈ મુકાબલો નથી. આ ચૂંટણીઓનો સાર એ છે કે લોક્તંત્રમાં રાજકીય પ્રબંધન અને જીતની ભૂખ વિના મુકાબલામાં ટકી શકવું મુશ્કેલ હોય છે. હિમાચલ કોંગ્રેસ પોતાની જ પાર્ટીના કર્ણાટક એકમથી આ બોધ લઈ શકે છે.