- PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
- 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં આપશે હાજરી
- કેવડિયાના એકતાનગરમાં બે નવા આકર્ષણોનું કરશે લોકાર્પણ
- મિયાવાકી ફોરેસ્ટ અને ભૂલ ભૂલૈયા ગાર્ડનનું કરાશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આજે બપોરે વડોદરા પહોચશે. જ્યાં એક ભવ્ય રોડ શો કરીને સભાને સંબોધશે. આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ તેમના હસ્તે કેવડિયાના એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરવામાં આવશે.
1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા
આવતીકાલે પીએમ મોદીના હસ્તે મિયાવાકી ફોરેસ્ટ અને ભૂલભૂલૈયા ગાર્ડન (મેઝ ગાર્ડન)નું લોકાર્પણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે ત્રણ એકરમાં આ ભવ્ય ભૂલભૂલૈયા ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન વિશે વાત કરીએ તો પ્રવાસીઓને પોઝિટિવ એનર્જી મળી રહે એટલા માટે અહીં લગભગ 1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે.
3 એકર જગ્યામાં ફરતા ફરતા ખોવાઈ જશો એવું ગાર્ડન
આ ગાર્ડનમાં એવી રીતે છોડ રોપાવામાં આવ્યા છે કે પ્રવાસીઓ આવે તો છોડવાઓની વચ્ચે ભૂલા પડી જાય. જોકે, ત્યાંના ગાઈડ પ્રવાસીઓને બહાર નીકળવામાં ગાઈડ કરશે અને ગાર્ડનની બહાર કાઢશે. વિદેશોમાં અને એડવેન્ચર પાર્કમાં જોવા મળતા વિશાળ ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવાયું છે
મિયાવાકી ફોરેસ્ટનું પીએમ કરશે લોકાર્પણ
પીએમ મોદી આવતીકાલે મિયાવાકી ફોરેસ્ટનું પણ લોકાર્પણ કરવાના છે. આપને જણાવી દઈએ કે, મિયાવાકી એક જાપાનીઝ અકિરા પ્રેરિત ટેકનીક છે. આ પદ્ધતિ થોડા સમયમાં જ ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આમાં એક વિસ્તારમાં નજીક-નજીકમાં વૃક્ષો વાવવામાં આવે છે, નજીકમાં વાવવામાં આવેલા રોપા એકબીજાની વૃદ્ધિમાં મદદ કરશે. સાથે જ નીંદણ ઉગતુ અટકાવે છે. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણી ઝડપે થાય છે. ખાસ વાત તો એ છે કે પ્રથમ ત્રણ વર્ષ પછી આ વાવવામાં આવેલા છોડની જાળવણી પણ કરવાની જરૂર પડતી નથી. આ પદ્ધતિથી માત્ર 2થી 3 વર્ષમાં જ જંગલ ઊભું થઈ જાય છે.