સુરેન્દ્રનગર, mસુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા દિવસથી લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો અંત ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.રોષે ભરાયેલા લોકોએ સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે ચક્કાજામ કર્યો હતો.
પીવાના પાણીના પ્રશ્ર્નને લઈ સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઇવે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. ગણપતિ ફાટસર વિસ્તારના લોકો મધરાત્રીએ પાણી પ્રશ્ર્નને લઈ રોડ પર ઉતરી ગયા હતા. નગરપાલિકા દ્વારા પીવાનું પાણી સમયસર વિતરણ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ પ્રસર્યો છે. જે પછી લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. હાઇવે ચક્કાજામ કરવામાં આવતા હાઇવે પર વાહનોની લાંબી ક્તારો લાગી હતી.
પીવાના પાણીની માગ સાથે છેલ્લા ૨ વર્ષમાં ૮ વખત હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છતાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.