નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક બાદ એક મુશ્કેલી સામે આવી રહી છે. આ બધાની વચ્ચે હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ પર દેશ વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, હરિ પ્રસાદે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કર્ણાટકમાં ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે.
એક ખાનગી મીડિયા અનુસાર વિધાન પરિષદમાં હરિ પ્રસાદે કહ્યું કે, તેઓ દુશ્મન દેશ સાથેના અમારા સંબંધો વિશે વાત કરે છે. તેમના મતે પાકિસ્તાન દુશ્મન દેશ છે. અમારી માટે પાકિસ્તાન દુશ્મન દેશ નથી, પણ આપણો પાડોશી દેશ છે. તાજેતરમાં તેમણે લાહોરમાં જિન્નાહની સમાધિની મુલાકાત લેનારા લાલ કૃષ્ણ અડવાણીનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે તેમના જેવો બીજો કોઈ બિનસાંપ્રદાયિક નેતા ભારત રત્ન સાથે નથી.ત્યારે શું પાકિસ્તાન દુશ્મન દેશ ન હતો? આ તરફ કોંગ્રેસના નેતાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપે તેના પર પોસ્ટ કર્યું કે, પાકિસ્તાનને ભાજપ માટે દુશ્મન અને કોંગ્રેસ માટે પાડોશી ગણાવીને સ્પષ્ટ કરી દીધું છે કે, જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચેનો ગાઢ સંબંધ વર્તમાન પેઢી સુધી પણ જળવાઈ રહ્યો છે.
અગાઉ ભાજપે આરોપ લગાવ્યો છે કે, મંગળવારે રાત્રે કોંગ્રેસના કાર્યકરો રાજ્યસભાની ચૂંટણીમાં સૈયદ નાસિર હુસૈનની જીતનો જશ્ર્ન મનાવી રહ્યા હતા, ત્યારે ત્યાંના કેટલાક લોકોએ ’પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કોંગ્રેસ સરકારની નિંદા કરતા બુધવારે બેલગવી, ચિત્રદુર્ગ અને માંડ્યા સહિત રાજ્યના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આરોપના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ કેસમાં કોઈને બક્ષવાનો સવાલ જ નથી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે કહ્યું હતું કે, જો તપાસમાં આરોપ સાચો જણાશે કે વિધાનસભાની અંદર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ આરોપનો ઉલ્લેખ કરતા કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ માત્ર ભાજપનો આરોપ નથી, મીડિયાનો પણ આરોપ છે કે, વિધાનસૌધામાં હુસૈનને વિજેતા જાહેર કર્યા બાદ બાદમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં સાબિત થશે કે, પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તો આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનની તરફેણમાં નારા લગાવનારાઓને બચાવવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમે ઘોંઘાટનો રિપોર્ટ એફએસએલને મોકલી દીધો છે. જો કોઈ વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાનું રિપોર્ટમાં સાચું જણાશે તો તેને કડક સજા આપવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ચેતવણી આપી હતી કે, જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.