કોલકતા, તૃણમૂલ કોંગ્રેસે શાહજહાં શેખને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તૃણમૂલના નેતા ડેરેક ઓ’બ્રાયને કોલકાતામાં આ માહિતી આપી હતી. આ પહેલા પશ્ર્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓની ટીમ પર હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ નેતા શેખ ફરાર થઈ ગયો હતો. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પશ્ર્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની પણ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે. રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર, કોર્ટે ૨૬ ફેબ્રુઆરીએ જારી કરેલા તેના આદેશની સ્પષ્ટતા કરી, જેમાં પોલીસને શેખની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે શાહજહાં શેખ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મીનાખામાં એક ઘરમાં છુપાયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે દસ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેખે પોલીસ સમક્ષ ઈડ્ઢ પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરવાની પણ કબૂલાત કરી છે.
અગાઉ, કોલકાતા હાઈકોર્ટે પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની છ સભ્યોની ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમને ૧ માર્ચે સંદેશખાલીની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. ટીમ માઝેરપરા, નટુનપરા અને નાસ્કરપરા જશે. આ સાથે જસ્ટિસ કૌશિક ચંદ્રાએ રાજ્ય વિપક્ષના નેતા અને બીજેપી નેતા સુવેન્દુ અધિકારીને સંદેશખાલી છોડવાની મંજૂરી પણ આપી હતી.