સરકારી કોલેજો ધીમેધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે, અમિત ચાવડા

ગાંધીનગર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓની ઘટ છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, માયમિક શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક, માયમિક અને ઉચ્ચ શિક્ષણ ગુણવત્તાયુક્ત પૂરું પડવાની સરકારની જવાબદારી છે તેમ છતાં ફાળવવામાં આવતા બજેટમાંથી શિક્ષણની સંસ્થાઓની સાર- સંભાળ અને મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાના બદલે સરકારની વાહવાહી અને જાહેરાતોમાં વાપરાય છે. ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા ગુજરાતમાં કેટલી સરકારી એન્જીનીયરીંગ કોલેજો કાર્યરત છે ? એવા પૂછવામાં આવેલ પ્રશ્ર્નના જવાબ મુજબ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ૧૬ સરકારી ઈજનેરી કોલેજો છે. ગુજરાતના ૩૩ જીલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાંથી ફક્ત ૧૬ જિલ્લાઓમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજો કાર્યરત છે. આજે ૩૦ વર્ષથી શાસન કરતી ભાજપની સરકાર અને ૧૦ વર્ષથી ડબલ એન્જીનની સરકાર હોવા છતાં ગુજરાતમાં અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં એકપણ સરકારી એન્જીનીયરીંગ કોલેજ નથી. તેના કારણે ગરીબ અને માયમ વર્ગના બાળકોને એન્જીનીયર થવું હોય તો પણ ખાનગી કોલેજોમાં ઉંચી ફી ચૂકવીને ભણવાની ફરજ પડે છે. આ સરકારની નીતિ જ એવી છે કે, સરકારી એન્જીનીયરીંગ કોલેજ તો નહી ખોલવાની પણ જે કોલેજો કોંગ્રેસના શાસનમાં ખુલી છે તેમાં પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહિ આપવાનું, પુરતો સ્ટાફ નહિ ભરવાનો તેના કારણે ધીરેધીરે કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ભાજપસરકારમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં સરકારી ઇજનેરીની ૧૬ કોલેજો જે ચાલુ છે, વર્ગ-૧નું ૫૩૪ મંજુર મહેકમની સામે ૩૧૬ ખાલી જગ્યાઓ છે એટલે લગભગ ૬૦% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૨ની મંજુર જગ્યાઓ ૧,૪૬૭ની સામે ૧૯૩ જગ્યાઓ ખાલી છે એટલે ૧૪% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૩ની મંજુર જગ્યાઓ ૪૭૫ની સામે ૩૦૦ જગ્યાઓ ખાલી છે એટલે ૫૫% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૪ની મંજુર જગ્યાઓ ૨૬૦ની સામે ૨૦૧ જગ્યાઓ ખાલી છે એટલે ૭૭% જેટલી જગ્યાઓ ખાલી છે.

તેમણે કહ્યું હતું કે એક બાજુ કોલેજો ખોલતા નથી, કોંગ્રેસની સરકારોએ ખોલેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજો વારસામાં મળેલ છે તે કોલેજોમાં ભરતી પણ કરવામાં આવતી નથી. સરકાર આવો જવાબ આપે છે કે, બીજી બાજુ ભરતી કેલેન્ડર બનાવ્યું છે, દર વર્ષે ભરતી કરીએ છીએ. વિધાનસભાના રેકોર્ડમાં ગયા વર્ષનાપ્રશ્ર્નોતરીના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતા ૨૦૨૩માં વધી છે, જો ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ એના કરતા વધી છે. એટલે સ્પષ્ટ છે કે આ સરકાર સરકારી કોલેજો ખોલતી નથી કે સરકારી કોલેજોમાં પુરતો સ્ટાફ આપતી નથી. તેના કારણે ધીમેધીમે વિદ્યાર્થીઓ માનીતા, મળતિયા, નફાખોર કરતા લોકોની ખાનગી કોલેજોમાં જાય અને સરકારી કોલેજો ધીમેધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે.