ઝાલોદના ધાવડીયા ચેક પોસ્ટ પર રાજસ્થાન પરીવહનની બસના લગેજ બોક્ષમાંથી દારૂ ઝડપાયો

ઝાલોદ, ધાવડીયા ચેક પોસ્ટથી રાજસ્થાન પરીવહનની બસના લગેજ બોકસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 86,688/-રૂ.નો દારૂ અને એક મોબાઈલ મળી 91,688/-નો મુદ્દામાલ જપ્ત કરી બસ કંડકટર તથા જથ્થો ભરી આપનાર સામે ગુનો નોંધાવવા પામ્યો હતો.

ઝાલોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રાજસ્થાન પરીવહનની બસમાં ઈંગ્લીશ દારૂ ભરી ધાવડીયા ચેકપોસ્ટ તરફ આવવાની હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ દરમિયાન બસ આવતા ઉભી રખાવી હતી. બસના કંડકટર નિમચના પ્રમોદકુમાર પુરોહિતને ઉતારી બસની પાછળના ભાગે લગેશ બોકસમાં તપાસ કરતા દારૂની 21 પેટીઓ મળી આવી હતી. પુછપરછ કરતા કંડકટરે સંતોષકારક જવાબ ન આપી શકતા દારૂની પેટીઓ ભરેલી બસ ઝાલોદ પોલીસે મથકે લાવી મુદ્દામાલ બહાર કાઢતા રૂ.86,688/-ની દારૂની કુલ 1008 બોટલો મળી હતી. કુલ 91,688/-નો મુદ્દામાલ જપ્ત કરી બસ કંડકટર પ્રમોદકુમાર ધનશ્યામ પુરોહિત તથા જથ્થો ભરી આપનાર મળી બે સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો હતો.