ખેડા જિલ્લાના ખેડૂતોને બે વર્ષમાં વીજ બીલમાં રાહત પેટે રૂ. ૨૭૨.૫ કરોડથી વધુની સબસિડી ચૂકવાઈ

રાજ્યના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બીલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવે છે. ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના ખેડૂતોને કુલ રૂ. ૨૭૨.૫ કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે, તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

મંત્રી દેસાઈએ ખેડા જિલ્લાની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨માં ખેડા જિલ્લાના ૩૫,૯૮૪ ખેડૂતોને રૂ. ૧૧૯.૮૨ કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ખેડા જિલ્લાના ૩૭,૨૬૧ ખેડૂતોને રૂ. ૧૫૨.૭૨ કરોડની સબસિડી ચૂકવાઈ છે.