ભારત આવી રહેલા ત્રણ રશિયાના ટેન્કરો પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. તેલથી ભરેલા રશિયન ટેન્કરો પણ આગામી થોડા અઠવાડિયામાં ભારત પહોંચશે. પરંતુ તે ત્રણ ટેન્કરની ચર્ચા થઈ રહી છે જેના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં આ ત્રણેય ટેન્કરો ભારત આવી રહ્યા છે.

એક અખબાર રિપોર્ટ અનુસાર આગામી કેટલાક અઠવાડિયામાં ભારતીય રિફાઈનિંગ કંપનીઓને ક્રૂડ ઓઈલ પહોંચાડનારા ટેન્કરોમાં ઓછામાં ઓછા ત્રણ ટેન્કર એવા છે કે જેના પર અમેરિકા દ્વારા તાજેતરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે અમેરિકાએ 14 રશિયન ઓઇલ ટેન્કરને બ્લેકલિસ્ટ કર્યા કારણ કે તેઓ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલી પ્રાઇસ સીમા કરતાં વધુ કિંમતે તેલની નિકાસ કરી રહ્યા હતા. પશ્ચિમી દેશોમાંથી રશિયન તેલની કિંમત બેરલ દીઠ $60 છે.

અન્ય ટેન્કર એનાટોલી કોલોડકિન પણ એપ્રિલમાં સિક્કા બંદર પહોંચશે. આ મહિનાની શરૂઆતમાં એનાટોલી કોલોડકિન ટેન્કરે વાડીનાર પોર્ટ પર ક્રૂડ ઓઈલ પહોંચાડ્યું હતું. બ્લેક લિસ્ટમાં સામેલ અન્ય એક ટેન્કર એનએસ કેપ્ટન પણ માર્ચ અને એપ્રિલમાં તેલ સાથે વાડીનાર બંદરે પહોંચશે. જો કે, બ્લેકલિસ્ટેડ ટેન્કરોમાંથી ડિલિવરી થવાને કારણે કોઈ મોટી સમસ્યા થવાની કોઈ શક્યતા નથી. કારણ કે અમેરિકાએ બ્લેકલિસ્ટેડ ટેન્કરોને 45 દિવસ માટે તેલની નિકાસ કરવાની છૂટ આપી છે.

અમેરિકા સહીત G-7 ના અન્ય દેશોએ મળીને સંયુક્ત રીતે ડિસેમ્બર 2022માં રશિયન તેલ પર પ્રાઇસ કેપ લાદવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, રશિયા એક મહિનામાં ચાર ડઝન કાર્ગો ભારતને પહોંચાડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લેકલિસ્ટેડ ટેન્કરોના 45 દિવસ બાદ ભારતીય રિફાઈન કંપનીઓ આ ટેન્કરોની મદદથી તેલની આયાત નહીં કરે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર નથી ઈચ્છતી કે ભારતીય રિફાઈન કંપનીઓ G-7ની પ્રાઇસ કેપનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે. આવી સ્થિતિમાં, પ્રતિબંધોથી બચવા માટે, કંપનીઓએ ફક્ત માન્ય ટેન્કરોથી જ ડિલિવરી લેવી જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, ભારતમાં આવતા રશિયન ટેન્કરો દ્વારા પ્રાઇસ કેપના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે ભારતીય રિફાઈન કંપનીઓએ કાર્ગો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.