મોરવા હદફ પંથકમાં છોકરી ભગાડી જવાની અદાવતે મહિલાઓ દ્વારા એક મહિલાને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. મોરવા હડફ પંથકમાં આવેલ એક ગામમાં એક મહિલાને છોકરી ભગાડી જવાના મુદ્દે તેણીના ઘરમાં બે મહિલાઓએ ઘુસી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્વસ્ત્ર કરી હાથપગ બાંધી એક ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાને આબરૂ કાઢવાના ઇરાદે નિર્વસ્ત્ર હાલતમાં માર મારતાં ગામના ફળિયામાં લઈ જવામાં આવી હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. જોકે મોરવા હડફ પોલીસે આ ઘટનામાં તાત્કાલિક છ આરોપી સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ચાર મહિલાઓ અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
મોરવા હડફ પંથકમાં એક છોકરીને ભગાડી જવાની અદાવત રાખી છોકરીના સ્વજનોએ છોકરાના ઘરમાં પ્રવેશ કરી ઉશ્કેરાઈ જઈ મહિલાને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી હતી .આ અંગે મોરવા હડફ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર બે મહિલાઓએ તેઓના ઘરે આવી હતી અને મહિલાએ પહેરેલા વસ્ત્ર અને ફાડી નાખી નિર્વસ્ત્ર કરી ઘરમાંથી ઘસડી લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અંદાજિત ૬૦ વર્ષે ધરાવતી આ મહિલાને નજીકમાં આવેલા સીતાફળના ઝાડ સાથે સાડી વડે બાંધી દેવામાં આવી હતી .દરમિયાન એક મહિલા દોરડું લઈને આવી હતી જેના વડે ઉક્ત મહિલાના હાથ પગ દોરડા વડે બાંધી દઈ ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન ઉપસ્થિત અન્ય ત્રણ વ્યક્તિઓએ મહિલાને અમારી છોકરીને તારો છોકરો લઈ ગયો છે જેને પરત લાવી આપ નહી તો તને જીવતી છોડીશું નહીં એમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવા ઉપરાંત મહિલા ને બરડામાં અને છાતીના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
દરમિયાન અન્ય બે વ્યક્તિઓએ મહિલાને ગડદાપાટુનો માર મારી મહિલાને જાતિ અપમાનિત કરતા શબ્દોનો ઉપયોગ કર્યો હતો .દરમિયાન ગામમાં લઈ જઇ વરઘોડો કાઢી હાથ પગ તોડી નાંખવાના છે એવી ઉશ્કેરેણી કરવામાં આવતાં સીતાફળના ઝાડ સાથે બાંધેલી મહિલાને છોડી બે મહિલાઓ દ્વારા ઉક્ત મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં માર મારતાં મારતાં ગામના ફળિયામાંથી નજીક આવેલી રસ્તા સુધી લઈ જવામાં આવી હતી .
આ દરમિયાન પણ તેણીને એક મહિલા દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદનો ઉલ્લેખ કરાયો છે. ભોગ બનનાર મહિલા દ્વારા મોરવા હડફ પોલીસ મથકે આ સમગ્ર ઘટના ક્રમ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા છ આરોપીઓ સામે વિવિધ જોગવાઈઓ મુજબ ગુનો નોંધી તાત્કાલિક પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર મહિલા આરોપી અને એક પુરુષ આરોપીનો સમાવેશ થાય છે .પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં નંદાબેન, સવિતાબેન ,કૈલાસબેન ,શંકરભાઈ અને સુમિત્રાબેન નો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા સાથે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.