અખિલેશ યાદવને સીબીઆઇએ સમન્સ મોકલ્યું,પૂછપરછ માટે બોલાવ્યા

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર હવે CBI  પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી છે. સીબીઆઇએ અખિલેશ યાદવને સમન્સ મોકલીને ગેરકાયદે માઈનિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને ૧૬૦ CBI  હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવને ૨૯ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઇએ તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યું છે. હકીક્તમાં, ૨૦૧૬ માં, અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હમીરપુરના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય જાહેર સેવકો સામે ગેરકાયદેસર ખનનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર CBI એ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી.

આરોપ એવો હતો કે ૨૦૧૨-૨૦૧૬ના સમયગાળા દરમિયાન જીલ્લા હમીરપુર (યુપી)માં ગૌણ ખનિજોના ગેરકાયદેસર ખનનને મંજૂરી આપવામાં આવી હતી. રેતીના ખનન માટે ગેરકાયદેસર રીતે નવી લીઝ મંજૂર કરી, હાલની લીઝનું નવીકરણ કર્યું અને હાલના લીઝ ધારકોને વિક્ષેપિત સમયગાળાની મંજૂરી આપી અને તેના કારણે જાહેર તિજોરીને ખોટી રીતે નુક્સાન થયું અને આરોપીઓએ અયોગ્ય નફો મેળવ્યો.

સીબીઆઇએ આ કેસમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હમીરપુર, જાલૌન, નોઈડા, કાનપુર અને લખનૌ જિલ્લામાં ૧૨ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. શોધ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત ગુનાહિત સામગ્રી; મોટી રોકડ અને સોનું મળી આવ્યું હતું.