ભારતમાં પહેલી વાર વ્યઢંળને ફાંસી, ગિફ્ટ ન મળી તો બાળકી પર રેપ કરીને હત્યા કરી હતી

ત્રણ મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. દેશનો આ પહેલો કિસ્સો છે જ્યારે ટ્રાન્સજેન્ડરને મોતની સજા સંભળાવવામાં આવી હોય. મુંબઈની સેશન્સ કોર્ટના જજ અદિતિ કદમે આ નિર્ણય સંભળાવ્યો છે. જજ  અદિતિ કદમે ચુકાદો સંભળાવતા કહ્યું, “આજીવન કેદ એ નિયમ છે અને મૃત્યુદંડ એક અપવાદ છે. આ સજા રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં આપવામાં આવે છે. આ કિસ્સામાં જે રીતે અમાનવીયતા અને બર્બરતા બતાવવામાં આવી હતી તે તેને એક દુર્લભ કેસ બનાવે છે. 

24 વર્ષીય ટ્રાન્સજેન્ડર પર નવજાત બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઇના કફ પરેડ વિસ્તારમાં આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિને કોર્ટે સજા સંભળાવી ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા અને તે ચૂપચાપ ઊભો રહ્યો. સાથે જ આ ચુકાદા બાદ નવજાત બાળકીના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો કોર્ટ પહોંચ્યા હતા. બાળકીના પિતાએ જણાવ્યું કે, આ કેસમાં કોર્ટની કાર્યવાહી ઝડપથી આગળ વધી છે. અમે આ ચુકાદાથી સંતુષ્ટ છીએ.

સંતાનના જન્મ બાદ ટ્રાન્સજેન્ડરો દ્વારા ઘેર આવીને ગિફ્ટનો રિવાજ હોય છે. આ કિસ્સામાં પણ બાળકીના જન્મ બાદ ટ્રાન્સજેન્ડર ગિફ્ટ માંગવા માટે પરિવાર પાસે પહોંચી હતી. જોકે, પરિવારે તેને કોઇ શગુન આપવાની ના પાડી દીધી હતી. આ પ્રસંગે પરિવાર સાથે પણ તેનો ઝઘડો થયો હતો. આથી તે પરિવારથી ચિડાઈ ગયો હતો. એક દિવસ જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે તે ઘરમાં ઘૂસી ગયો. તેણે બાળકીને ઉપાડી લીધી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેઓએ તેની હત્યા કરી હતી અને લાશ નહેરમાં ફેંકી દીધી હતી. 

પોક્સો કોર્ટના જજે કહ્યું હતું કે આ એક ઠંડા કલેજે કરેલી હત્યા છે. આ એક એવો ગુનો છે જેણે કોઈ પણ બાળકના માતાપિતાને આઘાત પહોંચાડ્યો છે. ગુનેગારના મગજમાં કેટલી હદે ઝેર છવાઈ ગયું હતું અને તેની માનસિકતા કેટલી હદે હશે તે પણ સમજની બહાર છે. આ કેસ મૃત્યુદંડ માટે યોગ્ય છે.  દોષિતે આ પ્રકારના જઘન્ય અપરાધની યોજના પહેલેથી જ ઘડી હતી. પછી તેનો ઘાતકી રીતે અમલ કર્યો.