ઉનાળા પૂર્વે જ પાણી માટે વલખાં, જૂના ઉપલેટા વિસ્તારમાં ૧૧ દિવસથી પીવાનું પાણી ન આવતા હાલાકી

રાજકોટ, રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણી માટે વલખાં મારવાની નોબત આવી છે. રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી અને રસ્તા મામલે ચક્કાજામ કર્યા છે. જૂના ઉપલેટા રોડ ખાતે આવેલા રાધા નગરમાં પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો છે. જેમાં ૫૦ જેટલી મહિલાઓએ નારેબાજી કરીને ચક્કાજામ કર્યો હતો.

ધોરાજીના રાધા નગરમાં ૧૧ દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને હાલાંકીનો સામનો કરવો પડે છે. જેના પગલે મહિલાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. પાઇપલાઇનનું સમારકામ થઇ ગયુ છતાં પાણી ન મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમસ્યાના તાત્કાલિક ઉકેલની માગ કરવામાં આવી છે. જો આ માગ પૂરી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.