હૈદરાબાદ,તેલુગુ અભિનેત્રી સૌમ્યા જાનુ તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. વાયરલ વીડિયોમાં અભિનેત્રી ટ્રાફિક હોમગાર્ડ સાથે ઝગડો કરતા જોવા મળી રહી છે. અભિનેત્રી ખોટા રસ્તા પર જતી હતી અને તેને રોકવા જતા આ ઘટના બની હતી. આ ઘટના હૈદરાબાદના પોશ બંજારા હિલ્સ વિસ્તારમાં બની હતી. લોકોએ સૌમ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પણ કરી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રી બંજારા હિલ્સમાં પોતાની કાર ખોટી દિશામાં ચલાવી રહી હતી, જેને ટ્રાફિક હોમગાર્ડે રોકી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ ૮:૨૪ વાગ્યે બની હતી. ત્યાં હાજર લોકોએ કહ્યું કે, નજીકના એ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં પણ તે શાંત નહોતી થતી. ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહેલા ટ્રાફિક હોમગાર્ડ પર તેણીએ હુમલો કર્યો હતો. તેમજ સૌમ્યાએ હોમગાર્ડના કપડાં ફાડી નાખીને તેનો ફોન પણ જપ્ત કરી લીધો હતો.
હુમલા બાદ ટ્રાફિક હોમગાર્ડે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગતો આપી અને વાયરલ વીડિયોનો ઉપયોગ કરીને પુરાવા રજૂ કર્યા હતા. પોલીસે તાત્કાલિક કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી હતી.
તેલુગુ અભિનેત્રીએ આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, પોલીસે હજુ સુધી તેને પૂછપરછ માટે બોલાવી નથી. હાલમાં, અભિનેત્રી વાયરલ વીડિયોના કારણે ભારે ટ્રોલ થઈ રહી છે.