નકલી અધિકારીઓના એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યા છે. જોકે તેમના કરતૂત સામે આવે એ પહેલાતો તે લાખો રુપિયા પડાવી ચૂક્યા હોય છે. આવી જ રીતે થરાદમાં એક ફરિયાદ નોંધાઇ છે. જ્યાં કૃષિ વિભાગના નકલી અધિકારીએ સબસીડી વાળી લોન આપવાનું કહીને ખેડૂતોને છેતર્યા છે. ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, જામનગર સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતોને છેતર્યા હોવાનું સામે આવ્યુ છે.
ખેડૂતોને જો સબસીડી ઉંચી મળે અને મોટી લોન મળવાની વાતો કરવામાં આવે તો સતર્ક થઇ જજો. આ વાતો છેતરપિંડીની જાળ હોઇ શકે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં થરાદ તાલુકામાં 28 જેટલા ખેડૂતોની સાથે લોનના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. થરાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપી નકલી અધિકારીની શોધખોળ શરુ કરી છે.
ભાવેશ ડાભી નામનો ભાવનગરના પાલીતાણાના શખ્શ સામે થરાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેણે શરુઆતમાં એક દરગાહના મુજાવરને પોતાનો શિકાર બનાવ્યા બાદ સામે આવ્યુ છે, તે અન્ય અનેક લોકોને તેણે પોતાના શિકાર બનાવ્યા છે. જેણે આ રીતે લાખો રુપિયા પડાવી લીધા છે.
પાલીતાણાના ભૂતીયા ગામના ભાવેશ મંગાભાઇ ડાભીએ થરાદના હાથાવાડાની મીરા દાતાર દરગાહના મુજાવર અલ્લાબગ્સ ગાજીશા જુનેજાને લોનની જરુર હોઇ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમને ભાવેશ ડાભીએ પોતે ગાંધીનગરમાં ખેતીવાડી નિગમમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી. તેણે તેમના ડોક્યુમેન્ટ 7/12 ના ખેતીના ઉતારા સહિતની વિગતો આપી હતી. જે બાદ 30 લાખની લોન મંજૂર થવાની વાત કરીને સબસીડી ખર્ચ પેટે અલગ અલગ 50 હજાર રુપિયા લીધા હતા.
તેમના ભાઇ અને પિતાની લોન માટે 92,200 રુપિયા લીધા હતા. આ અંગેની વાત આસપાસના ખેડૂતો સુધી પહોંચી હતી. આમ લગભગ બધા મળીને 28 જેટલા ખેડૂતોના લોનના ડોક્યુમેન્ટ કરીને તેમની પાસેથી પણ પૈસા ઉઘરાવ્યા હતા. આમ કુલ 10.68 લાખ રુપિયા પડાવી લીધા હતા.
ભાવેશે આ ખેડૂતોને નોટિસ મોકલી હતી અને જેમાં તેઓને ગત જાન્યુઆરી માસની 9મી તારીખે બનાસકાંઠા જિલ્લા સેવા સદન ખાતે હાજર રહેવા માટે જણાવેલ. જે દરમિયાન એગ્રીમેન્ટ કરવા અને ચેક મેળવવા હાજર રહેવા જણાવેલ. જોકે બાદમાં અલગ અલગ તારીખો બતાવતા રહેતા શંકા પડતા આ અંગેની ગાંધીનગર નિગમમાં તપાસ કરતા ખબર પડી કે ત્યા આવો કોઇ જ કર્મચારી નથી.
આરોપી ભાવેશે હોમ લોન, કૃષિ લોન અને પશુ તબેલાઓની લોન મંજૂર કરાવી આપતો હોવાની વાતોમાં લોકોને વિશ્વાસમાં લીધા હતા. આ માટે તેણે ગાંધીનગરમાં ગુજરાત ખેતી નિયામક વિભાગની કચેરીના ખોટા પત્ર બનાવીને ખેડૂતોને આપીને ઠગાઇ આચરતો હતો.