હોસ્પીટલોમાં સારવાર ખર્ચ ’એક સમાન’ કરવા કેન્દ્રને સુપ્રિમનું અલ્ટીમેટમ

દેશભરમાં આરોગ્ય સેવા ઘણી મોંઘી હોવાના તથા હોસ્પીટલો દ્વારા મનફાવે તેવો સારવાર ખર્ચ પડાવાતો હોવાના ઉહાપોહ વચ્ચે સર્વોચ્ચ અદાલત આકરા પાણીએ થઈ છે.14 વર્ષ જુના કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદાનો અમલ કરાવવા કેન્દ્ર સરકારને તાકીદ કરી છે. અન્યથા અદાલત પોતે આવો આદેશ જારી કરશે તેવી ચેતવણી આપી છે. કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદામાં તમામ હોસ્પીટલો માટે સારવારનાં એક સમાન ભાવ નકકી કરવાની જોગવાઈ છે.

આંખના મોતિયાનાં ઓપરેશન માટે સરકારી હોસ્પીટલમાં રૂા.10,000 લેવાય છે.જયારે ખાનગી હોસ્પીટલમાં રૂા.30,000 થી માંડીને રૂા.1.40 લાખ વસુલાતા હોવાની ટીપ્પણી સાથે જુદી જુદી હોસ્પીટલોમાં અલગ અલગ સારવાર ખર્ચ તથા ખર્ચમાં મોટા ભાવફેર સામે સુપ્રિમ કોર્ટે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો.સમાન સારવાર ખર્ચનો 14 વર્ષ જુનો કાયદો હોવા છતા તે લાગુ કરવામાં અસમર્થતતા સામે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એવો બચાવ કર્યો હતો કે હોસ્પીટલોમાં સમાન સારવાર ખર્ચ માટે રાજયોને વખતોવખત સુચના આપી હોવા છતાં રાજયો તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આરોગ્ય હવે નાગરીકોનો મૂળભુત અધિકાર છે અને રાજયો જવાબ આપતા ન હોવાની દલીલ સાથે કેન્દ્ર સરકાર હાથ ખંખેરી ન શકે.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય આરોગ્ય સચીવને એકસમાન સારવાર ખર્ચ માટેનાં નોટીફીકેશન તૈયાર કરવા માટે રાજયોનાં સચીવો સાથે એક મહિનામાં બેઠક કરવાની સુચના આપી હતી. એટલુ જ નહિં કેન્દ્ર સરકાર ઉપાય-ઉકેલ મેળવવામાં નિષ્ફળ જશે તો આરોગ્ય કેન્દ્રો માટેનાં નિયત દર લાગુ કરવા અદાલત આદેશ જારી દેશે.
બીન સરકારી સંગઠન દ્વારા કલીનીકલ એસ્ટાબ્લીસ્ટમેન્ટ કાયદા-2012 ના નિયમને આગળ ધરીને હોસ્પીટલો માટે એકસમાન સારવાર દર નકકી કરવા કેન્દ્ર સરકારને સુચના આપવા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. 

કાયદા પ્રમાણે તમામ હોસ્પીટલો તથા કલીનીકોમાં વિવિધ તબીબી સેવાના દરનુ બોર્ડ રાખવાનું ફરજીયાત કરતી જોગવાઈ છે. દરેક તબીબી પ્રોસીજર તથા સર્વીસ માટે કેન્દ્રના નિયત ચાર્જ લેવાની જોગવાઈ છે.

જાહેર હિતની અરજી કરનાર સંગઠને જસ્ટીસ બી.આર.ગવાઈ તથા સંદિપ મહેતાની બેંચ સમક્ષ એમ કહ્યું હતું કે કોરોનાકાળ વખતે કેન્દ્ર સરકારે તાબડતોબ સારવાર ખર્ચ નકકી કરી દીધો હતો. પરંતુ અન્ય કિસ્સામાં ઢીલ કરી રહી છે. રાજયો સારવાર ખર્ચ મામલે સહકાર આપતા ન હોય તો કેન્દ્ર સરકાર વિશેષાધિકારનો ઉપયોગ કરી જ શકે છે.