- કોર્ટે લાયસન્સ સસ્પેન્ડ કરી આપી ચેતવણી : બેફામ વાહન ચલાવતા બેદરકાર વાહનચાલકો ચેતી જજો.
મલેકપુર,બેફામ અને બેદરકારી પૂર્વક વાહન ચલાવવાના ગુન્હામાં પાંચ વર્ષ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાનો ચુકાદો ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ફરમાવતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દોઢ વર્ષ અગાઉ એક કારચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારીને લુણાવાડા બોરીયાવાલા હોલની નીચે ઉભેલા ટુ વ્હીલર અને યુવકને ટક્કર મારી ભાગી છુટેલા કારચાલક વિરૂદ્ધ કેસ ચાલી જતાં આ ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ વર્ષ 2022માં આરોપી હેમિલ રાજેશભાઈ કાકા રહે.કાકાના ભેંસવાડા તા.લુણાવાડાએ પોતાના કબજાની હુન્ડાઈ કંપનીની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી લુણાવાડા બોરીયાવાલા હોલની નીચે ચાઈનિઝ લારી પાસે ફરીયાદીની એકટીવા ગાડી નં. જી જે.35.એ.8064 ને જોર થી ટકકર મારી નુકસાન કરી તેમજ સાહેદ સાગરકુમાર જયેશભાઈ પટેલીયાના જમણા હાથના કાંડા પાસે ફ્રેકચર કરી ડાબા પગે ફેકચર તથા ઇજાઓ કરી નાસી જઈ ભારતીય દંડ સંહીતાની કલમ-279,337,338 તથા એમ.વી.એકટની કલમ 177, 184, 134, મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ હોય ફરીયાદીની ફરીયાદના આધારે ગુનાની તપાસના અંતે આરોપી સામે પુરતો પુરાવો મળી આવતા પોલીસે મહીસાગર જીલ્લાના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. કેસ ચાલી જતાં સરકાર તરફે એ પી પી વાય એસ ગોંસાઇની દલીલોને ગ્રાહ્ય રાખી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પી.સી.સોનીએ આરોપી હેમીલભાઈ રાજેશભાઈ કાકા રહે.કાકાના ભેસાવાડા તા.લુણાવાડા જી.મહીસાગર નાઓને ક્રિ.પ્રો.કો.કલમ-248(2) અન્વયે ઈ.પી. કો. કલમ- 279 ના ગુના સબબ અંકે રૂપિયા એક હજાર તથા ઈ.પી.કો. કલમ 337 ના ગુનામાં અંકે રૂપિયા પાંચસો ના દંડની સજા અને જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો આરોપીએ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. એમ.વી.એકટ કલમ-20 વંચાણે લેતાં આરોપી 279,337 તથા 184 મુજબના ગુનામાં તકસીરવાન ઠરેલ હોય પાંચ વર્ષ સુધી વાહન ચલાવવા માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કરી આરોપી હેમીલભાઈ રાજેશભાઈ કાકાનું લાયસન્સ 26-02-2029 સુધી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામા આવ્યો છે.