પતંજલિ આયુર્વેદની જાહેરાતો સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું- કાયમી રાહતનો દાવો ભ્રામક છે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પતંજલિની જાહેરાતો પર કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર આંખો બંધ કરીને બેઠી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે સરકારે તાત્કાલિક કેટલાક પગલાં લેવા પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના ડાયરેક્ટરને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ના આવે. સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવિધ રોગોના ઈલાજનો દાવો કરતી પતંજલિની મેડિકલ પ્રોડક્ટ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે કે તેણે શું કાર્યવાહી કરી છે.

રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતંજલિ આયુર્વેદની જાહેરાતોમાં કાયમી રાહત શબ્દ પોતે જ ભ્રામક અને કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે આજથી તમે કોઈ ભ્રામક જાહેરાત નહીં આપો અને પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ આવી જાહેરાત નહીં આપો. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે એલોપેથી પર કેવી ટિપ્પણી કરી, જ્યારે અમે તેને સ્વીકારી લીધું હતું? તેના પર પતંજલિએ કોર્ટને કહ્યું કે અમે ૫૦ કરોડ રૂપિયાની રિસર્ચ લેબ બનાવી છે. તેના પર કોર્ટે પતંજલિને કહ્યું છે કે તમે માત્ર સામાન્ય જાહેરાતો જ આપી શકો છો.

રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે બે લોકોને પક્ષકાર બનાવીશું. જેમના ફોટા જાહેરાતમાં છે. તેમને નોટિસ પાઠવશે. તેઓએ વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે અમે જાણવા નથી માંગતા કે તેઓ કોણ છે? અમે પક્ષકાર બનાવીશુ. કેન્દ્ર સરકારે કહ્યું કે અમે કોઈપણ પ્રકારની ભ્રામક જાહેરાતને સહન નહી કરીએ, પછી ભલે તે કોઈ પણ હોય.