ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા ભરતી સંદર્ભે કોઈપણ વ્યક્તિ શોર્ટકટ અપનાવીને નકલી અધિકારી બનીને છેતરપિંડી કરે, તો સરકારના તમામ વિભાગો પ્રોએક્ટીવલી અને ગંભીરતાપૂર્વક કામગીરી કરીને કાયદેસર કાર્યવાહી કરે છે.
વિધાનસભા ખાતે જૂનાગઢ જિલ્લામાં નકલી ડી.વાય.એસ.પી. અંગેના પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં જે નકલી લોકોએ નાગરિકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે, એમાં પોલીસે સામેથી પ્રોએક્ટીવલી જાતે જ કેસ કરીને કાર્યવાહી કરી છે. જૂનાગઢ ખાતે નકલી ડી.વાય.એસ.પી. બનીને જે વ્યક્તિએ છેતરપિંડી કરી છે તે વ્યક્તિ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. તેણે નકલી આઇ.કાર્ડ બનાવ્યું હતું અને સરકારને બાતમીદારના આધારે માહિતી મળી હતી. જેને અનુસરતા પોલીસે વોચ ગોઠવીને આ વ્યક્તિને પકડી પાડ્યો છે. આ વ્યક્તિ પાસેથી રોકડ રકમ, કાર, મુદ્દામાલ જપ્ત કરીને ખાતામાંથી રૂા.૧૮ લાખ ફ્રીજ કરી દીધા છે. એટલુ જ નહિ, ભોગ બનનાર લોકોને સામેથી બોલાવીને તેમના નિવેદનો લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા પકડાયેલ મુદ્દામાલ પરત કેવી રીતે કરવામાં આવે છે, તેવા પૂરક પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, પોલીસ દ્વારા જે મુદામાલ પકડીને જપ્ત કરવામાં આવે છે તે માટે રાજ્ય સરકારે ‘‘તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ હાથ ધર્યો છે. જે અન્વયે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજીને સંબંધિતોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે. જે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થઇ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.