નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શરાબ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું છે. અગાઉ, ઈડીએ તેમને સાતમું સમન્સ મોકલ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર દિલ્હીના મુખ્યમંત્રી ED સમક્ષ હાજર થયા નથી. હવે આઠમું સમન્સ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધારી શકે છે.
કેજરીવાલે કહ્યું હતું કે જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ પર કેજરીવાલની ગેરહાજરીને લઈને શહેરની કોર્ટનો સંપર્ક કર્યો, જેના પર કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને ૧૬ માર્ચે તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આઠમું સમન્સ જારી કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એ દલીલને ફગાવી દીધી હતી કે કેજરીવાલને હાજર થવા માટે મોકલવામાં આવેલી તાજી નોટિસ અયોગ્ય હતી કારણ કે આ કેસ સ્થાનિક કોર્ટમાં ન્યાયાધીન હતો.
દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના આરોપો છે અને ઈડ્ઢએ આ જ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. અગાઉ ૨૨ ફેબ્રુઆરીએ પણ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. પરંતુ સાતમા સમન્સ પર પણ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા. આ પહેલા ગયા વર્ષે ૨ નવેમ્બર, ૨૧ ડિસેમ્બર અને આ વર્ષે પણ ૩ જાન્યુઆરી, ૧૮ જાન્યુઆરી, ૨ ફેબ્રુઆરી, ૧૪ ફેબ્રુઆરી અને ૨૨ ફેબ્રુઆરીએ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા.
એવો આરોપ છે કે દિલ્હી સરકારે ૨૦૨૧-૨૨ની આબકારી નીતિ હેઠળ જે દારૂના વેપારીઓને લાઇસન્સ આપ્યા હતા, તેમણે તેના માટે લાંચ આપી હતી અને લાઇસન્સ તેમની પસંદગીના દારૂના વેપારીઓને જ આપવામાં આવ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગેરરીતિઓને કારણે દારૂની નીતિને રદ કરી દીધી હતી અને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ઈડીએ કથિત મની લોન્ડરિંગના આરોપમાં પણ કેસ નોંયો હતો.